રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આજે 118મી જન્મજયંતી છે. ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896નાં રોજ થયો છે. મેઘાણીનું જન્મસ્થળ ચોટીલા (જિ.સુરેન્દ્રનગર)છે જ્યારે તેમનું વતન બગસરા છે. મેઘાણીએ પ્રાથમિક શિક્ષણ રાજકોટ, દાઠા તેમજ પાળીઆદમાં કર્યુ છે જ્યારે તેમને માધ્યમિક શિક્ષણ સ્વજનોના ઘરે રહીને એટલે કે વઢવાણ કેમ્પ, બગસરા અને અમરેલીમાં કર્યુ છે. 1912માં ઝવેરચંદ મેઘાણીએ મેટ્રિક થયા હતા. 1916માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી બી.એ. પાસ કર્યુ. તેમણે ભાવનગરની હાઈસ્કૂલમાં ખંડસમયના શિક્ષક તરીકે થોડો વખત કામ કર્યું. તે દરમિયાન મેઘાણીએ એમ.એ.નો અભ્યાસ કરવાનો વિચાર કર્યો હતો પરંતુ કૌટુંબિક કારણોસર શિક્ષકની નોકરી અને અભ્યાસ છોડી કલકત્તામાં એલ્યુમિનિયમના કારખાનામાં અંગત મંત્રી તરીકે જોડાયા.
આજની પેઢી ઝવેરચંદ મેઘાણીને નિર્દેશક સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'રામલીલા'ના એક ગાયનથી ઓળખે છે. 'મન મોર બની થનગાટ' કરે આ ગાયન ઝવેરચંદ મેઘાણીએ લખ્યુ છે. નોબેલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની બંગાળી રચનાનો અનુવાદ એટલે મોર બની થનગાટ. સંજય લીલા ભણસાલીએ રાષ્ટ્રીય શાયરને આ ગાયનમાં ક્રેડિટ આપી ન હતી. મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીએ દાદાના નામ માટે લડત આપી હતી.
મેઘાણી 1919માં કારખાનાના માલિક સાથે ત્રણેક મહિના ઈંગ્લેન્ડ-પ્રવાસે ગયા હતા. એ પછી બે વર્ષ કારખાનામાં નોકરી કરી પરંતુ વતનના આકર્ષણે 1921માં પાછા બગસરા આવ્યા હતા. 1922માં ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના તંત્રીમંડળમાં જોડાયા ત્યારથી એમના પત્રકાર તરીકેના જીવનનો પ્રારંભ થયો. 1926માં ‘સૌરાષ્ટ્ર’માંથી છૂટા થયા. 1930માં સત્યાગ્રહ ચળવળમાં જોડાવા બદલ ખોટા આરોપસર બે વર્ષનો જેલવાસ તેમને ભોગવવો પડ્યો હતો. 1932માં ‘ફૂલછાબ’ સાપ્તાહિકમાં જોડાયા હતા પરંતુ ‘ફૂલછાબ’ને રાજ્કીય રંગે રંગવાનો નિર્ણય લેવાતાં તેમાંથી 1933માં છૂટા થયા અને મુંબઈ જઈ ‘જન્મભૂમિ’ દૈનિકમાં ‘કલમ અને કિતાબ’ કોલમના સાહિત્યપાનાનું સંપાદન કર્યુ. 1936માં બોટાદ આવી ફરી ‘ફૂલછાબ’માં જોડાઈને તંત્રી બન્યા. 1946માં રાજકોટ ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખ હતા ત્યારબાદ 1928માં રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને મળ્યો હતો. 1946માં મહીડા પારિતોષિક મળ્યો હતો. જો કે મેઘાણીએ તેમના અંતિમ શ્વાસ બોટાદમાં લીધા હતા.
રક્ત ટપકતી સોસો ઝોળીઓ..આ શૌર્ય ગીત બાદ મહાત્મા ગાંધીએ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. મેઘાણીની ગુજરાતી ભાષામાં લોકપ્રિયતા વિશે કંઈ કહેવાપણું નથી. આજે પણ તેમના પુસ્તકો વેચાય છે અને વધારે પ્રમાણમાં વંચાય છે. મેઘાણીના અવસાનને છ દાયકા પછી પણ તેમની લોકપ્રિયતામાં ઓટ આવી નથી. જો કે હવેની પેઢી ઇન્ટરનેટના માધ્યમથી તેમના પુસ્તકો ઓનલાઇન ખરીદે છે અને મેઘાણીની રચનાઓને માણે છે.
No comments:
Post a Comment