Saturday, 30 August 2014

દેવામાં ડૂબતું ભારત (india's rise external debt)


ભારતનું બાહ્ય દેવું વર્ષ ૨૦૧૩-૧૪માં ૭.૬ ટકા વધીને ૪૪૦.૬ અબજ ડોલર થયું છે. બિન-નિવાસી ભારતીયોની થાપણોમાં વૃદ્ધિ થવાના લીધે આમ બન્યું છે. પાછલા નાણાકીય વર્ષમાં ભારતનું બાહ્ય દેવું ૩૯૦ અબજ ડોલરના સ્તરે હતું. "લાંબા-ગાળાના ડેટ, ખાસ કરીને એનઆરઆઇ થાપણના લીધે બાહ્ય દેવું વધ્યું છે. એનઆરઆઇ થાપણોમાં વૃદ્ધિ સપ્ટેમ્બર-નવેમ્બર ૨-૧૩ દરમિયાન સ્વેપ સ્કીમ હેઠળ એકત્ર કરાયેલી નવી એફસીએનઆર (બી) થાપણોની અસરને પ્રતિબિંબિત કરે છે. 

વર્ષના પ્રારંભિક હિસ્સામાં બેલેન્સ ઓફ પેમેન્ટ (બીઓપી)ની કપરી સ્થિતિનો સામનો કરવા માટે સ્વેપ સ્કીમ હેઠળ એફસીએનઆર (બી) થાપણો એકત્ર કરાઇ હતી," તેવું રિઝર્વ બેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું. તાજેતરના સમયગાળામાં ભારતના બાહ્ય ઋણમાં એનઆરઆઇ થાપણોનું પ્રમાણ નોંધપાત્રપણે વધ્યું છે. એનઆરઆઇ થાપણો માર્ચ ૨૦૧૦ના અંતે ૪૭.૯ અબજ ડોલરના સ્તરે હતી, જે વધીને માર્ચ ૨૦૧૩ના અંતે ૭૦.૮ અબજ થઇ હતી, તેમજ વધુ વધીને માર્ચ-૨૦૧૪ના અંતે ૧૦૩.૮ અબજ ડોલરની સપાટીને સ્પર્શી હતી. 

સપ્ટેમ્બરથી નવેમ્બર ૨૦૧૩ દરમિયાન વિશેષ સ્વેપ સ્કીમના લીધે એફસીએનઆર(બી)ના હિસ્સામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. માર્ચ-૨૦૧૪ના અંતે કુલ એનઆરઆઇ થાપણોમાં એફસીએનઆર(બી)નો હિસ્સો ૪૦.૩ ટકા નોંધાયો હતો. માર્ચ-૨૦૧૪ના અંતે લાંબા-ગાળાનું બાહ્ય દેવું ૩૫૧.૪ અબજ ડોલરના સ્તરે હતું, જે માર્ચ-૨૦૧૩ના સ્તરની તુલનાએ ૧૨.૪ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આ સ્તરે માર્ચ-૨૦૧૪ના અંતે દેશના કુલ બાહ્ય દેવામાં લાંબા ગાળાા બાહ્ય દેવાનો હિસ્સો ૭૯.૭ ટકાનો હતો, જેની સામે માર્ચ-૨૦૧૩માં આ આંકડો ૭૬.૪ ટકાના સ્તરે હતો. આ નિવેદનમાં જણાવવામાં આવ્યા અનુસાર ટૂંકા ગાળાનું બાહ્ય દેવું માર્ચ-૨૦૧૪ના અંતે ૮૯.૨ અબજ ડોલરના સ્તરે હતું, જે માર્ચ-૨૦૧૩ના ૯૬.૭ અબજ ડોલરના સ્તરની તુલનાએ ૭.૭ ટકાનો ઘટાડો સૂચવે છે.

પ્રથમ ત્રિમાસિક ગાળામાં લિક્વિડિટીની સ્થિતિ સંતોષજનક : ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં લિક્વિડિટી (રોકડ પ્રવાહ)ની સ્થિતિ સંતોષજનક રહી છે, આમાં આગોતરા કરવેરાનો આઉટફ્લો અપવાદરૂપ છે, એવું નાણાં મંત્રાલયના તાજા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. "નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન સરકારની રોકડની સ્થિતિ સંતોષજનક રહી હતી અને અમુક પ્રસંગોને બાદ કરવામાં આવે તો આ ત્રિમાસિક ગાળા દરમિયાન રોકડ સરપ્લસ રહી હતી," એવું નાણાં મંત્રાલયના ડેટ મેનેજમેન્ટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫માં સરકારનું કુલ અને ચોખ્ખું બજાર ઋણ અનુક્રમે રૂ. ૬ લાખ કરોડ અને રૂ. ૪.૬૧ લાખ કરોડ રહ્યું છે.

No comments:

Post a Comment