Saturday, 30 August 2014

#Japan tour @PMOIndia 's @narendramodi #Agenda


વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના ક્યોટો પહોંચ્યા છે. ભારતીય ઉપખંડની બહાર આ તેમની પહેલી દ્વિપક્ષીય વિદેશ યાત્રા છે. મોદીની પાંચ દિવસીય જાપાન યાત્રાની શરૂઆત ક્યોટોથી થઈ છે. ક્યોટોમાં જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ તેમનું સ્વાગત કર્યું છે. આ યાત્રામાં જાપાન સાથે કારોબારી સમજૂતીઓ સાથે નાગરિક પરમાણુ કરાર પર પણ હસ્તાક્ષર થાય તેવી શક્યતા છે. યાત્રા પહેલા મોદીએ નિવેદન જારી કરીને કહ્યુ હતુ કે ભારત અને જાપાન સંબંધ સમયની કસોટી પર ખરા ઉતર્યા છે અને બંને દેશ એકબીજા પાસેથી ઘણું શીખી શકે છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાપાન પ્રેમ પાછળ ઉગતા સૂર્યના દેશની શાનદાર પ્રગતિ છે. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે મોદી પોતાના રાજ્યને પણ જાપાનની જેમ વિકાસના રસ્તે અગ્રેસર જોવા ઈચ્છતા હતા. તેના માટે તેઓ જાપાનની મુલાકાતે પણ ગયા હતા. આ મુલાકાત દરમિયાન મોદીના હ્રદયમાં ભારતમાં બુલેટ ટ્રેન લાવવાનું સપનું પેદા થયું હતું. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાપાન પ્રેમ છુપાયેલો નથી. જાપાન સાથે તેમના સંબંધો ઘણાં જૂના છે. વડાપ્રધાન મોદીના જાપાન સાથેના વિશેષ સંબંધોનો પાયો 2007 અને 2012માં નખાયો હતો. ત્યારે તેમણે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે જાપાનની યાત્રા કરી હતી.

જાપાન યાત્રાનો મોદી એજન્ડા

 બુલેટ ટ્રેન સમજૂતી

ક્યોટોમાં મોદી જાપાનની હાઈસ્પીડ ટ્રેન જોશે. વડાપ્રધાન ભારતમાં બુલેટ ટ્રેન ચલાવવાની વાત કરી ચુક્યા છે. પરંતુ જાપાનને આ મામલે ચીન પાસેથી મોટી સ્પર્ધાનો સામનો કરવો પડયો છે. હવે સવાલ એ છે કે ભારત કોને પસંદ કરે છે?

 નાગરિક પરમાણુ કરાર

જાપાન સાથે નાગરિક પરમાણુ કરારની શક્યતા છે. જો કે લગભગ સાડા ત્રણ વર્ષની ચર્ચા બાદ પણ હજી સુધી તેમાં ઘણી જટિલતા હોવાનું માનવામાં આવે છે. 

 યૂએસ-2 એંમ્ફીબિયન એરક્રાફ્ટ

જાપાન પાસે 15 વિમાનોની ડીલની વાત થઈ રહી છે. તેમાંથી ત્રણ ભારત ખરીદશે અને 12 ખુદ બનાવશે. હવા અને પાણીમાં ચાલનારા આવા જહાજની તકનીકમાં જાપાન ખૂબ આગળ છે. 

 રણનીતિક ભાગીદારીનું નવું પ્રકરણ

સંરક્ષણ અને વિદેશ મંત્રાલયના સચિવ અને નાયબ પ્રધાનો વચ્ચે 2+2 ફોર્મેટવાળી વાર્ષિક બેઠકને અપગ્રેડ કરવાનો પણ એજન્ડા છે. એટલે કે દર વર્ષે પ્રધાનસ્તરની વાતચીત શરૂ થઈ શકે છે. પરંતુ જાપાન આવું માત્ર અમેરિકા અને રશિયા સાથે જ કરે છે. 

 મેરીટાઈમ સમજૂતી

મોદીની જાપાન યાત્રામાં બંન દેશોની નૌસેનાની સંયુક્ત કવાયત પર પણ નિર્ણય શક્ય બનશે. વાસ્તવમાં ભારત અને જાપાનમાં સંરક્ષણ ક્ષેત્રમાં મજબૂત ભાગીદારી ચીનના પ્રભાવને ઓછું કરવા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. 

 આર્થિક સમજૂતી

મોદી સાથે આ જાપાન યાત્રામાં મુકેશ અંબાણી, અદાણી, ચંદા કોચર, કિરણ મજૂમદાર શૉ સહીત ઘણાં ઉદ્યોગપતિઓ અને અર્થશાસ્ત્રીઓનું એક મોટું પ્રતિનિધિમંડળ ગયું છે. આશા છે કે આર્થિક મોરચે ઘણી મોટી સમજૂતીઓ થશે. 

જાપાન પાસેથી 1.7 લાખ કરોડનું ફંડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના અર્થતંત્રની ઝડપ વધારવા માટે આગામી પાંચ વર્ષમાં જાપાન પાસેથી 1.7 લાખ કરોડ ડોલરનું ફંડ ઈચ્છે છે. પરંતુ સવાલ એ છે કે જાપાન તેમા કેટલો રસ દાખવે છે. 

અન્ય મહત્વપૂર્ણ સમજૂતીઓ

ભારત મોટી સમજૂતીઓ સાથે સ્માર્ટ સિટી, રેલવે પ્રોજેક્ટ્સ, સોલર એનર્જી અને ગંગા સ્વચ્છતા અભિયાન જેવા મેગા પ્રોજેક્ટ્સ માટે પણ જાપાનની મદદ ઈચ્છે છે. પરંતુ આશા અને સમજૂતી વચ્ચે ઘણાં પેચ પણ છે. 

No comments:

Post a Comment