Friday 1 August 2014

ચોમાસામાં ગીરનું જંગલ કેવુ લાગે છે?

ચાર મહિના પ્રવાસીઓ માટે ગીર બંધ હોય છે

ચોમાસામાં એકાંત દરમિયાન વન્ય પ્રાણીઓ વચ્ચે પરિવાર ભાવના વધે છે


અમદાવાદ, ઓગસ્ટ 1, 2014
દર વર્ષે જુન મહિનાથી ચાર માસ માટે ગીરનું જંગલ માણસો માટે બંધ રાખવામાં આવે છે. જંગલને પ્રાકૃતિક અવસ્થામાં લાવવા માટે આ ચાર માસ દરમિયાન ગિર અભયારણ્યમાં પ્રવાસીઓને પ્રવેશ અપાતો નથી. આઠ માસ સુધી ગિર જંગલમાં માણસોની અવર-જવરથી થયેલી નૂકશાનીનું રિનોવેશન કરવાનો આ સમય છે.

ગિર જંગલમાં ચોમાસાના ચાર મહિનામાં આખી ફૂડ ચેઈન તૈયાર થાય છે. આ સમયે અહી ઘાસ, વનસ્પતિ, વૃક્ષો, કિટક, પક્ષી, સરિસૃપ, પ્રાણીઓ વગેરેનું મહત્તમ ઉત્પાદન થાય છે. સૌપ્રથમ વરસાદ પડે એટલે ઘાસ તૈયાર થાય છે. ઘાસનો આહાર મેળવી કિટકો તૈયાર થાય છે. કિટકોના ખોરાક ઉપર પક્ષીઓ નભે છે. પક્ષીઓના ખોરાક ઉપર અન્ય જીવો પોતાનું પેટ ભરે છે.

બીજી તરફ ઘાસ તૃણભક્ષી પ્રાણીઓનો ખોરાક છે. આ તૃણભક્ષી પ્રાણીઓ દ્વારા હિંસક પશુઓનું જીવન ચાલે છે. આવી રીતે આખુ ખોરાક ચક્ર તૈયાર થવાની શરૃઆત ચોમાસાથી થાય છે. આ ઉપરાંત પશુ, પક્ષીઓ અને સરિસૃપોમાં આ સમય સંવનનનો હોય છે. માટે મોટા પ્રમાણમાં તેનું સંવર્ધન થાય છે. ટૂંકમાં કહીએ ગિર જંગલનું ચોમાસુ એટલે સિઝન ઓફ પ્રોડક્શન એન્ડ ગ્રોથ.

વન્ય પ્રાણી-પક્ષીઓનો સંવનનનો સમય હોય છે. આમ પ્રકૃત્તિના બન્ને પાસાઓ પોતાના સંવર્ધનમાં મશગુલ હોય છે. જેમાં માનવીય ખલેલ જોખમી બની શકે છે. સામાન્ય રીતે ઓગષ્ટ મહિના સુધી ખાસ કાળજી રાખવી પડે છે.
ચોમાસામાં સિંહ સહિતના હિંસક પશુઓ સંવનનમાં મદમસ્ત બની ગયા હોય છે. જેને નિહાળવાની લાલચ માનવી રોકી શકતો નથી. અને આ લાલચમાં માનવી જીવનું જોખમ ખેડી બેસે છે.

સંવનનમાં ખલેલ પડવાના કારણે સિંહોએ પોતાના પ્રતિસ્પર્ધી સિંહ, અન્ય પશુઓ કે માનવીઓ ઉપર હૂમલો કરીને મારી નાખ્યા હોવાના અનેક દાખલા બની ચૂક્યા છે. બીજી તરફ સંવનનમાં વિક્ષેપ પડવાના કારણે હરણ જેવા સંવેદનશીલ પ્રાણીઓનું યોગ્ય સંવર્ધન થતું નથી. અને એકંદરે તેની વૃદ્ધિ ઉપર અસર પડવાની શક્યતા રહે છે.

ગિર અભયારણ્યના રસ્તાઓ ચોમાસામાં અતિશય બિસ્માર બની ગયા હોય છે. આ રસ્તાઓ ઉપર પ્રવાસીઓના વાહનો ચાલી શકે તેવી સ્થિતિ હોતી નથી. આમ આવા વિવિધ પ્રકારના સંભવિત ખતરાઓ ટાળવા માટે ગિર અભયારણ્યમાં ચોમાસામાં પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી.

સિંહ, દીપડા જેવા હિંસક પશુઓ વધારે પડતું એકાંતમાં રહેવાનું પસંદ કરે છે. ચારેક મહિના દરમિયાન તેનો સ્વભાવ એકાંતપ્રિય બની જાય છે. વન્યજીવોની ટેરેટરી પણ ચોમાસામાં વધી જાય છે. ગરમીના વાતાવરણમાં સિંહો સહિતના વન્યજીવો બહુ હરવા-ફરવાનું પસંદ કરતા નથી. ઠંડકવાળા એકાદ સ્થળે પડયા રહેવાનું વધારે પસંદ કરે છે. પરંતુ ચોમાસામાં ઠંડક મળતા જ આ પ્રાણીઓ આખા જંગલમાં ફરવા માંડે છે.

સંવનન માટે વન્યપ્રાણીઓમાં ઈનફાઈટનું પ્રમાણ ચોમાસામાં વધી જાય છે. સંવનન માટે માદાને પામવાનું યુદ્ધ તો જગજાહેર છે. યુગોથી આ જીવસૃષ્ટિમાં આ પરંપરા ચાલી આવે છે. માટે એક માદાને પામવા માટે બે શક્તિશાળી હરિફો વચ્ચેના યુદ્ધના બનાવો ચોમાસામાં ગિર જંગલમાં સામાન્ય બની જાય છે.

ટેરેટરી(વિસ્તાર) માટે પણ પ્રાણીઓમાં ઈનફાઈટ વધી જાય છે. પુરતો આહાર મળવાથી હૂષ્ટપુષ્ઠ બની ગયેલા પ્રાણીઓ ઠંડા વાતાવરણમાં જંગલમાં ફરવા નિકળી પડે છે. અને શક્તિશાળી બનતા જતા પ્રાણીઓ એકબીજાના વિસ્તારમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપવા માટે લડતા રહે છે.

ચોમાસા દરમિયાન વન્યપ્રાણીઓની સામાજીકતા ખુબ જ મજબૂત બને છે. ઉદાહરણ તરીકે ઉનાળામાં ચિત્તલ ત્રણ-ચાર કે પાંચ-સાતના ટોળામાં જોવા મળે છે. પરંતુ ચોમાસુ આવતા જ ચિતલના ટોળામાં બસ્સોથી અઢીસો સુધીની સંખ્યા થઈ જાય છે ! આવી રીતે દરેક પ્રાણીઓના ગૃપ મોટા થવા માંડે છે. જ્યારે ઉનાળામાં તમામ પ્રાણીઓને મર્યાદિત ખોરાક મળતો હોય છે. જ્યારે ચોમાસામાં જરૃર કરતા વધારે ખોરાક મળવા માંડે છે.

ચોમાસામાં સિંહને ચિતલ અને દીપડાને સાબર જેવા ભાવતા ભોજન મળી રહે છે. જરૃર કરતા વધારે ખોરાક હોવાથી વન્યપ્રાણીઓ પેટ ભરીને ખાવા માંડે છે. અને ખોરાકમાં તફાવત તથા વિવિધતા વધી જાય છે. માટે તેની બિમારીનું પ્રમાણ વધી જાય છે.

સામાન્ય રીતે પ્રાણીઓ ઉનાળામાં પાણીની આસપાસ અને શિયાળામાં પોતાના રહેંણાકમાં રહેવાનું પસંદ કરે છે. જ્યારે ચોમાસામાં આ પ્રાણીઓ જ ઉંચાઈ વાળી અને ખૂલ્લી જગ્યા રહેવા માટે વધારે પસંદ કરે છે.  ઉનાળામાં વાંદરો, મોર અને ચિતલ મિત્ર બનીને સાથે રહે છે.


પરંતુ ચોમાસુ આવતા જ આ ત્રણેયની મિત્રતા તૂટી જાય છે. અને મોર ઉંચાઈવાળી જગ્યાએ જતા રહે છે. એકંદરે ઠંડક અને પુરતા ખોરાકના કારણે વન્યજીવોને માનસિક શાંતિ મળે છે. જેના કારણે તેઓ માનસિક રીતે સંવનન માટે તૈયાર થાય છે.
 

No comments:

Post a Comment