Monday 28 July 2014

#WTO (@wto)ના વિશ્વમંચ પર પણ @narendramodi




' હું કરું અને હું માનું એ જ બધું સાચું અને બાકી બધું ખોટું' આવી ફિલોસોફી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જીવનમંત્ર હોવાનું તેમની કાર્યશૈલીનો અભ્યાસ કરનારા લોકો કહે છે. આ જ શૈલી અપનાવીને મોદીએ ભારતભરમાં પોતાનું રાજકીય વર્ચસ્વ જમાવી દીધું અને લોકસભા ચૂંટણીમાં વિજયનો ડંકો વગાડી દિલ્હીમાં સરકારની રચના કરી દીધી. દેશભરમાં વાતાવરણ એવું રચાયું કે નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'વાહ વાહ' કરવાની પડાપડી શરૂ થઇ અને મોદીમાં દૂરંદેશી, મુત્સદીગીરી, કુશળ અર્થશાસ્ત્રી, વિકાસના ઘડવૈયા વગેરે વગેરે તમામ ગુણો આરોપી દેવાયા અને મોદી આવશે એટલે ભારતમાં ઇકોનોમિક ટર્ન એરાઉન્ડ શરૂ થશે, તેજીનું વાવાઝોડું ફુંકાશે અને આખી દુનિયા મોદીના ચરણોમાં નમી પડશે એવી વાતો ચાલી. કદાચ , આ વાતાવરણને કારણે મોદીની ' હું એકલો સાચો અને બાકી બધા ખોટા' એ મનોભાવ વધુ ઘૂંટાયો હોય તેવું બની શકે છે. હવે માત્ર દેશમાં નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય મોરચે પણ મોદી આ મંત્ર અપનાવવા તત્પર બન્યા હોય તેમ વિશ્વ વેપાર સંગઠન જેવા વૈશ્વિક મંચ પર પણ હજુ આઠ મહિના પહેલાં જે સમજૂતી પર ભારતે 'હા'માં ડોકું ધુણાવ્યું હતું તેમાં હવે 'આમ નહીં થાય તો જાવ અમે નથી રમતા' જેવું વલણ અપનાવ્યું છે. ભારતના આ વલણથી સમગ્ર વિશ્વ લગભગ સ્તબ્ધ થઇ ગયું છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ તો શકય તેટલા આકરા શબ્દોમાં ભારતની ઝાટકણી કાઢી છે. યુરોપના મોટાભાગના દેશોનું સંગઠન યુરોપિયન યુનિયન પણ ધૂંઆપૂંઆ છે. અત્યાર સુધી ડબ્યૂટીઓમાં ભારતને સાથ આપતાં ચીન, બ્રાઝિલ, ઇન્ડોનેશિયાએ પણ ભારતના આ વચનભંગના કારણે મોઢું ફેરવીલીધું છે. અત્યારે હાલત એવી છે કે માત્ર વેનેઝુએલા, આર્જેન્ટિના અને ક્યુબા જેવા ત્રણ જ દેશ ભારતની પડશે છે બાકી, ૧૫૦થી વધુ દેશોમાં ભારત એકલું પડી ગયું છે. નવાઇની વાત એ છે કે મોદી સરકાર આવીને સબસીડી રાજના ભુક્કેભુક્કા બોલાવી દેશે તેવી ગણતરીઓ હતી તેને બદલે મોદીએ ખેડૂતોને સબસીડી, મફત ખાતર અને વીજળી , ગરીબોને સસ્તા ભાવે અનાજ વગેરે સબસીડીઓ ચાલુ રાખવાનું જ પુંછડું પકડ્યું છે. આ રીતે મોદી સરકાર દેશના રાજકારણમાં અત્યાર સુધી કોંગ્રેસ જે માર્ગ અપનાવી રહી હતી તે જ માર્ગે આગળ ચાલી છે. બીજી તરફ, ડબલ્યૂટીઓમાં તેણે મનમોહન સરકાર વખતે અપાયેલી ખાતરીનો ભંગ કર્યો છે. આ વલણથી કદાચ મોદીને દેશમાં રાજકીય ફાયદો થશે પરંતુ વિદેશમાં વેપારમાં કે કરારમાં એક ભરોસાપાત્ર દેશ તરીકેની ભારતની ઇમેજ ધૂણધાણી થઇ શકે છે. ભારતમાં અનાજના ભાવો, ખેડૂતોને અપાતી રાહતો વગેરે સહિતના મુદ્દાઓ પર બહુ દુરોગામી અસર સર્જે તેવા આ મુદ્દાની કેટલીક વિગતો પર નજર ફેરવીએ :

1. ટ્રેડ ફેસિલિટેશન એગ્રીમેન્ટનો વિવાદ શું છે

એ તો જાણીતું છે કે વિશ્વ વેપાર સંગઠનની રચના વિશ્વભરમાં સરળતાથી વેપાર થાય અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે એકસરખા કાયદા ઘડાય અને જુદા જુદા દેશો વચ્ચે એકસરખી સ્પર્ધાત્મકતાનું વાતાવરણ સર્જાય તે માટે પગલાં ભરવાનો છે. પણ વિશ્વ વેપાર સંગઠન પર તે મોટાભાગે અમેરિકા જેવા વિકસિત દેશોના હિત સાચવવા કામ કરતું હોવાનો આરોપ લાગતો રહ્યો છે. ખેર, આ વખતે જે લડાઇ જામી છે તે ટ્રેડ ફેસિલિટેશન એગ્રીમેન્ટ એટલે કે ટીએફએ માટે છે. બહુ સરળ રીતે કહીએ તો ટીએફએ જુદા જુદા દેશોમાં ચીજવસ્તુઓની આયાતનિકાસ પરના કસ્ટમને લગતા જે કાયદાઓ છે તેમાં સુધારાવધારા માટે છે. આ કાયદાઓ સરળ બને તો ચીજવસ્તુઓની આયાત નિકાસ પણ સરળ અને ઓછી ખર્ચાળ બને અને તેથી સરવાળે વિશ્વના બધા દેશોનો વેપાર વધે અને ડબ્લયૂટીઓના પોતાના અંદાજ મુજબ તેથી સમગ્ર વિશ્વના અર્થતંત્રમાં ૧ ટ્રિલિયન ડોલરના વેપારની વૃદ્ધિ થાય તેમ છે. આ કરારમાં કોઇ ચીજ વસ્તુ વેંચવામાં તમામ દેશ એકબીજાના બરોબરિયા હોય તેવી જોગવાઇ કરવાની વાત છે. આથી, તેમાં એક શરત એવી મુકાઇ કે કોઇ દેશે પોતાને ત્યાં ફૂડ સબસીડી ફૂડની કિંમતના દસ ટકા કરતાં વધારે આપવી નહીં. આ માટે દલીલ એવી થઇ કે ભારત જેવા દેશો તેના ખેડૂતોને જંગી સબસીડી આપે તેથી ખેડૂતને સરવાળે તે પાકનું ઉત્પાદન સસ્તું પડે જ્યારે બીજા દેશમાં આવી સબસીડી ના હોય કે ઓછી હોય તો ત્યાંના ખેડૂતને તે પાકનું ઉત્પાદન ભારતની સરખામણીએ મોંઘુ પડે. સરવાળે વિશ્વમાં આ પાક વેંચવાનો થાય ત્યારે ભારત તેના સસ્તા ભાવના કારણે ખાટી જાય. બીજું, ભારત જેવા દેશો ગરીબોને મફત કે નાખી દેવાના ભાવે અનાજ આપવા માટે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉં, ચોખા અનાજ વગેરેની લાખો ટન ખરીદી કરી લે છે. પછી આ અનાજના ઢગલા ગોદામોમાં પડયા રહે છે. ભારત પાસે આવો અનાજનો ભંડાર હોય એટલે તેને વિશ્વબજારમાંથી અનાજ સસ્તા ભાવે ખરીદવાની બહુ દરકાર ના હોય. આથી, વિશ્વબજારમાં ભાવ દબાયેલા ને દબાયેલા રહે આથી અન્ય દેશોના ઘઉં કે ચોખા પકવતા ખેડૂતોને નુકસાન થાય. આવી બધી દલીલોને આગળ ધરીને એવું નક્કી થયું કે ફૂડ સબસીડી ફૂડની કિંમતના દસ ટકાથી ઓછી ના હોવી જોઇએ. કોઇ દેશ વધુ સબસીબી આપીને પોતાને ત્યાં અનાજના ભાવ નીચા રહે તેવું વાતાવરણ સર્જે તો અન્ય દેશો તેની સામે વાંધો ઉઠાવી શકે અને આ દેશ સામે ડબલ્યૂટીઓ પ્રતિબંધાત્મક પગલાં લઇ શકે. બીજું આ સમજૂતી હેઠળ ભારતના ગોડાઉનોમાં કેટલું અનાજ શા માટે સંઘરવામાં આવ્યું છે તેનું આંતરરાષ્ટ્રીય ઇન્સ્પેકશન પણ થઇ શકે.

2. બાલીમાં ભારતે શું ‌વાંધો લીધો હતો ?

બાલીમાં ગયા ડિસેમ્બર-૨૦૧૩માં મિટીંગ મળી હતી. તેમાં ભારત તરફથી ત્યારના વાણિજ્ય પ્રધાન આનંદ શર્માએ હાજરી આપી હતી. તે વખતે ભારતે આ દસ ટકા સબસીડીવાળી વાત સામે વાંધો લીધો હતો. ભારતે કહ્યું હતું કે તેના માટે આ સબસીડી માટે દસ ટકાની લિમિટ બાંધવી શક્ય જ નથી. તેણે ગરીબ ખેડૂતોને જે ટેકાના ભાવ આપવાના હોય છે તે વધતી જતી મોંઘવારી પ્રમાણે વધારતા જવા પડે. ભારતમાં સરકાર ખેડૂતો પાસેથી કયા ભાવે ચોખા કે ઘઉં સહિતના પાક ખરીદવા તેના લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરે છે. વધુમાં ખેડૂતોને મફતના ભાવે ખાતર અપાય છે અને ઘણાખરા રાજ્યોમાં ખેડૂતો સસ્તા ભાવે અથવા તો મફતમાં સિંચાઇ માટે વીજળી પણ મેળવે છે. બીજું કે ભારતમાં વ્યાપક ગરીબી છે. દેશની ત્રીજા ભાગની વસતિ ગરીબી રેખા હેઠળ જીવે છે. તેમને જીવાડવા માટે અને કુપોષણ ડામવા માટે સરકારે તેમને સસ્તું અનાજ આપવું જ પડે. આ ગરીબોને અન્નનો અધિકાર આપવા માટે સરકારે ફૂડ સિક્યોરિટી એક્ટ લાગુ કર્યો છે. આ કાયદા પ્રમાણે સરકાર ગરીબોને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સસ્તું અનાજ આપવા બંધાયેલી છે. બીજું કે આ કરારમાં અનાજના ભાવો ૧૯૮૬ની સાલ પ્રમાણે નક્કી કરી તે પ્રમાણે દસ ટકા સબસીડીની લિમિટ બાંધવાનું નક્કી થયું હતું. હવે એ તો બધાને ખબર છે કે ૧૯૮૬ના ઘઉં , ચોખાના ભાવ અને અત્યારના ભાવ વચ્ચે આસમાન જમીનનો તફાવત છે. એ વર્ષ પ્રમાણેના ભાવ જોતાં ભારત દસ ટકા સબસીડીની મર્યાદાની બહાર જ નીકળી જાય. ભારતના આ વાંધાઓને જી ૩૩ તરીકે ઓળખાતા વિકાસશીલ દેશોએ પણ સ્વીકાર્ય માન્યા હતા. ચીન, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા જેવા દેશોએ પણ ભારતની ચિંતા વાજબી હોવાનું સ્વીકાર્યું એટલે પછી અમેરિકા વગેરેએ મમત મુકવી પડી. ભારત બાલીમાં એવી સમજૂતી નક્કી કરાવવામાં સફળ રહ્યું કે વધુ પડતી સબસીડી આપે તે દેશ સામે પગલાંની બધી વાતો સાચી પણ ભારત કાંઇ એમ તમે કહો એટલે રાતોરાત ગરીબોને સસ્તું અનાજ અને ખેડૂતોને સબસીડી દૂર પણ ના કરી શકે. ભારતે તેના ગરીબોને સસ્તાં અનાજ માટે ખેડૂતો પાસેથી ચોક્કસ ભાવે અનાજ મેળવવાની શું સિસ્ટમ ગોઠવવી તે નક્કી કરવા માટે ટાઇમ મળવો જોઇએ. આ નવી સિસ્ટમ નક્કી ના થાય ત્યાં સુધી કોઇ દેશે આ સબસીડી વિશે કકળાટ કરવો નહીં. ભારતે જે આ શરત મુકાવી તેને ટેકનિકલ ભાષામાં પીસ ક્લોઝ કહે છે મતલબ કે ત્યાં સુધી બીજા દેશોએ ભારત જેવા દેશોની સબસીડી સિસ્ટમ મામલે ચુપ રહેવું. ચીન, બ્રાઝિલ વગેરેએ ભારતને આ મામલે ટેકો આપ્યો હોવાથી અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતની આ શરત સાથે બાલી સમજુતી મંજુર પણ આ માટે ભારતને ચાર જ વર્ષની મુદ્દત આપવામાં આવે છે. એટલે કે ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં ભારતે તેના ગરીબોને અનાજ માટે ડબલ્યૂટીઓના નિયમોનો ભંગ ના થાય તેવી શું વ્યવસ્થા ગોઠવવી તે નક્કી કરી લેવું. આ ચાર વર્ષ સુધી કોઇ ભારતનું નામ નહીં લે.

3. હવે શું વાંધો પડયો

બાલીમાં જે સમજૂતી થઇ તેની લખાપટ્ટી કરાવીને હવે એફટીએ પર ઔપચારિક મતું જ મારવાની પ્રક્રિયા બાકી હતી. અગાઉ નક્કી થયા મુજબ એફટીએને ઔપચારિક બહાલી માટેની ડેડલાઇન ૩૧મી જુલાઇ છે. તેનો અમલ ૨૦૧૫થી શરૂ કરી દેવાનો છે. આથી, આ મતું મરાવવાની પ્રક્રિયા કરાવવા ૨૪મી જુલાઇએ જીનીવામાં પ્રધાન સ્તરની બેઠક હતી. આ બેઠકમાં ભારતે નવો બોમ્બ ફોડ્યો. બાલી સમજૂતી વખતે યુપીએ સરકાર હતી. યુપીએ સરકારે ભારતે તેની ફૂડ સબસીડીમાં શું કરવું તે નક્કી કરવા ચાર વર્ષની મુદ્દત મળી તેનાથી રાજી થઇને બાલી સમજૂતીમાં ' હા' ભણી દીધી હતી. પણ, હવે મિટીંગ મળી ત્યારે ભારતમાં સરકાર બદલાઇ ગઇ હતી. નરેન્દ્ર મોદીની એનડીએ સરકારના વાણિજ્ય પ્રધાન તરીકે નિર્મલા સિતારામન આ બેઠકમાં પહોંચ્યા હતા. નિર્મલા સિતારામને ત્યાં જઇને કડક ટોનમાં કહી દીધું કે ચાર વર્ષની મુદ્દત કેવીને વાત કેવી. કોઇ અધ્યાહાર રાખવો જ નથી. આપણે એફટીએ પાસ કરીએ તેની સાથે સાથે જ ભારત જેવા દેશો તેના ગરીબ લોકોને સસ્તું અનાજ પૂરું પાડવાની વ્યવસ્થા કેવી રીતે ચાલુ રાખે તેનો કાયમી વિકલ્પ પણ નક્કી થઇ જવો જોઇએ. ભારત હવે કહે છે કે વિકાસશીલ દેશોમાં સરકાર પોતે અનાજનો સંગ્રહ કરી શકે તે માટે શું નિયમો નક્કી કરવા તેનું પેકેજ રચવાનું પણ સાથે સાથે ગોઠવી જ દેવું જોઇએ. આ માટે હવે ચાર વર્ષ પછી પાછી પ્રધાન સ્તરની બેઠક મળે ત્યાં સુધી રાહ નથી જોવી. આગામી ૩૧મી ડિસેમ્બર સુધીમાં એફટીએની સાથે સાથે આ પેકેજ પણ ગોઠવી કાઢો.

4. મોદીનો વચનભંગ કઇ રીતે ?

ગયા ડિસેમ્બર મહિનામાં આનંદ શર્મા બાલીમાં 'હા એ હા' ભણી આવ્યા છે અને ભારતને આવી ચાર વર્ષની મુદ્દત મળી છે તેવી વાત યુપીએ સરકારે સંસદમાં મુકી હતી. તે વખતે સંસદમાં હાજર અરૂણ જેટલી સહિતના નેતાઓએ કહ્યું હતું કે આપણને ચાર વર્ષની મુદ્દત આપવાની શરતે બાલી સમજૂતી માટે 'હા' પાડી હોય તો તે બરાબર છે. આમ, ભાજપે ત્યારે આ માટે સંમતિ આપી હતી. હવે ભાજપ સત્તા પર આવ્યા બાદ નવી વાત કરે છે. હવે ભાજપ સરકાર કહે છે કે ચાર વર્ષની મુદ્દત કેવીને વાત કેવી. જયાં સુધી ગરીબોને સસ્તાં અનાજ માટે સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ચોક્કસ ભાવે અનાજ ખરીદવાની વ્યવસ્થાનું કશું પાકું ના થાય ત્યાં સુધી એફટીએ પણ લાગુ ના પડવી જોઇએ. મોદી સરકાર કહે છે કે એફટીએ મુલત્વી રહે તો ભલે રહે. ૨૦૧૫થી અમલને બદલે બીજા બે-ચાર વર્ષ પાછી ઠેલાય તો કાંઇ ખોટું મોળું થવાનું નથી. સબીસીડીનું નક્કી ના થાય ત્યાં સુધી ઉતાવળે એફટીએ નામનો આંબો નહીં જ પાકવા દઇએ.

5. વિશ્વભરમાં શું પ્રત્યાઘાતો

એફટીએનું સાવ કાંઠે આવેલું વહાણ આ રીતે ભારત ડૂબાડવા બેઠું એટલે સ્વાભાવિક રીતે જ દુનિયાભરના દેશો ભડકયા છે. અમેરિકાએ તો ભારત જેવા મુઠ્ઠીભર દેશો ટીએફએનો ઘડોલાડવો કરવા બેઠા છે એવી આકરી ભાષા વાપરી છે. ઓસ્ટ્રેલિયાના વડપણ હેઠળના ૨૫ દેશોએ તો એવું કહ્યું છે કે ભારત આવું કરશે તો ડબલ્યૂટીઓ જેવી વૈશ્વિક સંસ્થાના અસ્તિત્વનો મતલબ જ ના રહે એટલે કે જો આમ વૈશ્વિક સમજૂતીનો અનાદર કરવાનો હોય તો પછી ડબલ્યૂટીઓને તાળાં જ મારવા પડે. આ જ મતલબની આકરી ભાષા યુરોપિય સંઘે પણ વાપરી છે. ચીન, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ પણ કહે છે કે ભારતના પ્રયાસોથી ચાર વર્ષની મુદ્દત અપાઇ હતી. ગરીબોને સસ્તાં અનાજ માટે વ્યવસ્થા ગોઠવવાની વાત પણ બરાબર છે પરંતુ આ ગરીબોને અનાજની કાયમી વ્યવસ્થા ગોઠવો તો જ એફટીએને લીલી ઝંડી આવી જીદ ખોટી છે. બાલીમાં ભારત સંમત થયું હતું અને હવે ફરી જાય તે ના ચાલે. આમ વિશ્વમંચ પર ભારત લગભગ એકલું પડી ગયું છે. ભારતના વાંધાનો આટલો કકળાટ એટલે છે કે વિશ્વ વેપાર સંગઠનમાં તમામ નિર્ણયો સર્વાનુમતિથી જ લેવાય છે. તેમાં એક-બે દેશ વિરોધમાં જ રહે અને બાકીના દેશો સમજૂતી કરી નાખે તેવી વ્યવસ્થા નથી. ભારતે એક રીતે તો વિટો પાવર જ વાપર્યો છે. તેના કારણે એફટીએ માટે અત્યાર સુધી જે પણ મંત્રણાઓની માથાફોડ ચાલી તે બધી નકામી થઇ જાય તેવી શકયતા છે. આ રીતે તો વૈશ્વિક વેપાર સુધારાની આખી પ્રક્રિયા જ પડી ભાંગશે.

6. મોદીએ અપનાવ્યો કોંગ્રેસી મંત્ર, સબસીડી રાજ ઝિંદાબાદ

મોદી સરકારે 'સબસીડી રાજ ઝિંદાબાદ' એવી માળા જપી એટલે દેશના કેટલાય આર્થિક રાજકીય વિશ્વલેષકોને આંચકો લાગ્યો છે. ચૂંટણી પહેલાં મોદી, જેટલી સહિતના ભાજપના નેતાઓના નિવેદનોથી લાગતું હતું કે મોદી સરકાર સબસીડી રાજનો ખાત્મો બોલાવી દેશે. પણ આ તો મોદી સરકાર સબીડીઓને જીવતદાન આપી રહ્યા છે. ખેડૂતોને સસ્તાં ખાતર અને વીજળી તથા ટેકાના ઊંચા ભાવ આપી રિઝવવા એ તો કોંગ્રેસની દાયકાઓ જૂની નીતિ છે. મોદી સરકાર કોંગ્રેસને જ એક રીતે ફોલો કરી રહી છે. મોદી સરકારના પ્રથમ બજેટમાં બહુ જલદ આર્થિક પગલાં આવશે એવી આશા રાખનારા નિરાશ થયા તેમ મોદી સરકારનો આ સબસીડી પ્રેમ જોઇને પણ વિશ્લેષકો નિરાશ થયા છે. બાલીમાં જેમ મનમોહન સરકારે વચલો રસ્તો કાઢ્યો હતો તેવું કોઇ વલણ મોદી સરકાર અપનાવી શકી હોત એવું તેઓ માને છે. આ માટે હજુ સુધી ભારતને મળેલી મુદ્દત પ્રમાણે ૨૦૧૭ સુધીનો સમય તો હતો જ.

7. જોકે, સંઘ સહિતની સ્વદેશી લોબી, ખેડૂત વોટબેન્ક ખુશ

મોદી સરકારને આવું વલણ અપનાવવા બદલ રાજકીય ફાયદો થઇ શકે છે. એ તો જાણીતું છે કે સંઘ પરિવાર શરૂઆતથી જ વિશ્વ વેપાર સંગઠનના ઇરાદાઓને શંકાની નજરે જુએ છે. સ્વદેશી જાગરણ મંચ સહિતની સંઘની ઘટક સંસ્થાઓ સતત એવો પ્રચાર કરતી રહી છે કે ડબલ્યૂટીઓ જેવાં સંગઠનો ભારતનું આર્થિક સાર્વભૌમત્વ ખત્મ કરવા બેઠા છે. તેઓ તો મોદી સરકારના આ વલણથી મોદીને ફુલડે વધાવશે. ભારતમાં ખેડૂતોની મોટી વોટબેન્ક છે. અત્યાર સુધીના સમીકરણો પ્રમાણે ગામડાંના ખેડૂતો હમેશા કોંગ્રેસના ટેકેદાર રહ્યા છે. આ બધા કાયમ માટે ભાજપના મજબુત ટેકેદાર બની જશે. કોંગ્રેસ તેની આ દાયકાઓ જૂની વોટબેન્ક ગુમાવશે. મોદીની આ નીતિના તરફદારો કહે છે કે અમેરિકા પણ તેના ખેડૂતોને ૧૨૦ અબજ કરોડ ડોલરની એટલે કે લભગભગ સાડા સાત લાખ કરોડ રૂપિયાની સબસીડી આપે છે. જ્યારે ભારતનું ફૂડ સબસીડી બીલ હવે વધીને સવા લાખ કરોડે પહોંચ્યું છે. એટલે ભારત તો ઉલ્ટાની પ્રમાણમાં ઓછી સબસીડી આપે છે.

8. પણ, આંતરરાષ્ટ્રીય સ્તરે જોખમો બહુ છે

વિશ્વ સ્તરનું કોઇપણ સંગઠન એનડીકે કે યુપીએને અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો મોદી કે મનમોહનને ઓળખતું નથી. તેમના માટે તો ભારત એટલે ભારત સરકાર એવો જ અર્થ છે. ભારતે બાલીમાં નક્કી થયું તેના કરતાં હવે જુદા સૂર ઉચ્ચાર્યા તો તેનો મતલબ કે ભારતની એક ભરોસાપાત્ર વેપાર ભાગીદાર તરીકેની શાખ નબળી પડી શકે છે. ભવિષ્યમાં વિશ્વ મંચ પર કે અન્ય કોઇ આંતરરાષ્ટ્રીય કરારમાં ભારત પર ભરોસો કરતાં પહેલાં અન્ય દેશો સો વાર વિચારશે. ભારત પાસેથી કાયમી ખાતરી માગી લેવાશે. એફટીએ તો એક મુદ્દો છે. આવા તો અનેક મુદ્દે ભારતે વિશ્વના જુદા જુદા સંગઠનો સાથે કામ પાર પાડવાનું હોય છે. ભારતમાં સરકાર બદલાય એટલે તે આવી આંતરરાષ્ટ્રીય સંધિઓને કચરાટોપલીમાં પધરાવી દેશે એવી છાપ ઊભી થાય તે બહુ જોખમી છે.

9. હવે શું થઇ શકે ?

વડાપ્રધાન મોદીના નસીબ જોર કરતાં હોય તો ડબલ્યૂટીઓ એફટીએ મામલે ઉતાવળ કરવાને બદલે ભારતની માંગ પ્રમાણે ગરીબોને અનાજના કાર્યક્રમને કેવી રીતે અમલી બનાવવો તેની કોઇ કાયમી વ્યવસ્થા ગોઠવવા પર સંમત પણ થાય. આવું બને તો દુનિયાભરમાં મોદીનો જયજયકાર થઇ જશે. પણ, વિશ્વભરમાં અત્યારે ભારત સામેનો વિરોધ જોતાં આવું બનવાી શકયતા ઓછી છે. અમેરિકા સહિતના દેશો પાસે ભારતનું નાક દબાવવાના ઘણા રસ્તા છે. અમેરિકા વિદેશ પ્રધાન આગામી દિવસોમાં ભારત આવી રહ્યા છે. મોદી સપ્ટેમ્બરમાં અમેરિકા જવાના છે. ત્યાં આ બધા મુદ્દા ચર્ચાશે. મોદી જો આ બધા દબાણો સામે ઝુકી જશે તો આંતરરાષ્ટ્રીય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પણ તેમની શાખ નબળી પડશે. મોદીએ ડબલ્યૂટીઓમાં આખી દુનિયા સામે શિંગડા ભરાવીને બહુ મોટું જોખમ લઇ લીધું છે. મોદી સામે દેશમાં મોંઘવારી સહિતના પડકારો છે ત્યાં તેમણે વિદેશમાં નવો મોરચો ખોલી નાખ્યો છે.

No comments:

Post a Comment