આજે ૧૫મી આક્ટોબર એટલે આપણા અગિયારમા રાષ્ટ્રપતિ, મિસાઇલ મેન અને યુવાનોના આદર્શ એવા ડો. અવુલ પકિર જૈનુલાઅબદીન અબ્દુલ કલામ (ડો. એ.પી.જે. અબ્દુલ કલામ)નો ૮૩મો જન્મદિવસ. તેમની બાળપણથી ભારતના રાષ્ટ્રપતિ બનવા સુધીની સફર, સ્ટ્રગલ, સંઘર્ષ આજે અનેક યુવાનો માટે પ્રેરણારૂપ છે. આવો તેમના જન્મદિન નિમિત્તે આ પ્રેરણારૂપ્ના જીવન પરથી પ્રેરણા મેળવીએ...
એક ગરીબ ઘરનો છોકરો વૈજ્ઞાનિક બની શકે? દેશનો રાષ્ટ્રપતિ બની શકે? દેશના કરોડો યુવાનો માટે પ્રેરણામૂર્તિ બની શકે? જો જવાબ ના આવતો હોય અને આ બધું અશક્ય લાગતું હોય તો એક વાર ડા. અબ્દુલ કલામને યાદ કરી લેવા જોઈએ. એક માછલી વેચતા પરિવારનો છોકરો આ દેશનો સૌથી મોટો વૈજ્ઞાનિક, કર્મઠ, રીયલ અને ખરાઅર્થમાં રાષ્ટ્રપતિ બની શકે છે. ડા. કલામ તેનું ઉદાહરણ છે. કદાચ એટલા માટે જ આજે ડા. કલામ ખરા અર્થમાં દેશના કરોડો યુવાનો માટે આદર્શ છે.
મિસાઈલ મેન તરીકે જાણીતા ડો. કલામે દેશનો મિસાઈલ્સ પ્રોગ્રામ આગળ ધપાવવામાં અને અણુશક્તિ સર્જનમાં પોતાની જિંદગી સમર્પિત કરી દીધી છે. ડો. કલામનો જન્મ ૧૫આક્ટોબર, ૧૯૩૧ના રોજ તમિલનાડુના રામેશ્ર્વરના ધનુષકોડી ગામમાં થયો. તેમના ત્રણ પરિવાર એક સાથે સંયુક્ત રીતે રહેતા. કલામના પાંચ ભાઈઓ અને પાંચ બહેનો છે. પિતા જૈનુલાઅબદીન માછલી વેચતા અને મછુઆરોને પોતાની ‘હોડી’ ભાડે પણ આપતા. પિતા જૈનુલાઅદ્દીનની એક ખાસિયત હતી. અને ખાસિયત હતી તેમનું અનુશાસન. તેઓ નિયમોના પાક્કા હતા. ડો. અબ્દુલ કલામ પર તેમના પિતાનો ખાસ્સો પ્રભાવ રહ્યો છે. કદાચ એટલા માટે જ અનુશાસનનો ગુણ ડો. કલામને તેમના પિતા તરફથી વારસામાં મળેલો છે. માતા અસીમા તરફથી મળેલા સંસ્કારો અને પિતા તરફથી મળેલ સાદગી અને અનુશાસને આજે કલામને સફળતાના શિખર પર બેસાડી દીધા છે. ડો. કલામ જે મકાનમાં રહેતા તે મોટું તો હતું પણ કાચું હતું. પિતા સાદગીમાં માનતા એટલે તેમના પિતાએ ક્યારેય ઘરમાં બિનજરૂરી સગવડો ઊભી કરી નહોતી. ડો. કલામ હંમેશાં કહે છે કે ભલે તે વખતે મારી પાસે સગવડ ન હતી પણ હું નિશ્ર્ચિત રીતે કહી શકું કે ભૌતિક રીતે તે વખતે મારું બાળપણ સંપૂર્ણ સલામત હતું.’
ડો. કલામ જ્યાં રહેતા હતા ત્યાં મુસ્લિમ પરિવારોની સાથે થોડા હિન્દુ પરિવારો પણ રહેતા હતા. તેમના વિસ્તારમાં એક મસ્જિદ હતી અને એક રામેશ્ર્વરમનું મંદિર પણ હતું. આ મંદિરના પૂજારી લક્ષ્મણ શાસ્ત્રી અને કલામના પિતા જૈનુલાઅબદ્દીન પાક્કા મિત્રો હતા. આ બંને મિત્રો ધર્મની, આધ્યાત્મિક પરંપરાની ચર્ચા કરતા અને ત્યાં ડા. કલામ નાનપણથી જ અધ્યાત્મ અને ધર્મને યોગ્ય રીતે સમજતા. ડો. કલામ બાળપણમાં પણ કુરાન અને ગીતાનો અભ્યાસ કરતા અને આજે પણ કરે છે. એટલે જ તેમનું આધ્યાત્મિક વ્યક્તિત્વ ખૂબ વિરાટ છે. ડો. કલામ આજે દેશના કરોડો લોકોના મનમાં રાજ કરે છે. કરોડો યુવાનો માટે ડા. કલામ પ્રેરણાદાયી છે. તેમનું વ્યક્તિત્વ પ્રભાવદાયી છે. તેના એક એક ભાષણમાંથી દેશના કરોડો યુવાનોને ઉત્સાહ, જુસ્સો મળે છે.
ઉચ્ચ શિક્ષણ...
એકવાર ડો. કલામે તેમના શિક્ષકને પૂછ્યુ કે ઐયર સાહેબ મારે શું બનવું જોઈએ. ત્યારે સાહેબે ડો. કલામને કહ્યું હતું કે હાલ તો તારે ધોરણ 8માં ઉત્તીર્ણ થવાનું છે. પછી હાઈસ્કૂલ અને પછી કાલેજમાં પહોંચવાનું છે. કાલેજમાં જ તને યોગ્ય મંજિલ અને લક્ષ્ય મળશે. ડા. કલામે કાલેજમાં ભૌતિક વિજ્ઞાનનો વિષય પસંદ કર્યો. ત્યાર પછી ડા. કલામે ‘મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી’માં ‘એરોનાટિક્લ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. આ રીતે ડા. કલામની જીંદગી રોકેટ એન્જિનિયરિંગ, અયરસ્પેસ એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી તરફ આગળ વધી.
પહેલું વ્યાખ્યાન...
૧૯૫૨માં ડો. કલામે પોતાનું પહેલું અને અદ્ભુત ભાષણ આપ્યું. આ ભાષણ ભારતના પ્રાચીન ગણિતજ્ઞો તથા ખગોળશાસ્ત્રીઓ ઉપર હતું. તેમણે આર્યભટ્ટ, શ્રીનિવાસ રામાનુજન, બ્રગુપ્ત અને ભાસ્કરાચાર્ય જેવા ભારતના મહાન ગણિતજ્ઞો પર ભાષણ આપ્યું. આ ભાષણ તેમના માટે અને ત્યાં હાજર રહેલા દરેક લોકો માટે યાદગાર હતું.
વ્યવસાયિક જીવન
ડો. કલામનું વ્યવસાયિક જીવન ૧૯૬૨થી શરૂ થયું. ઇસરોમાં તેમને પહેલી નોકરી મળી. અહીં તેમણે પહેલો સ્વદેશી ઉપગ્રહ બનાવ્યો. પ્રોજેક્ટ ડાયરેક્ટરના રૂપે ભારતનો પહેલો સ્વદેશી ઉપગ્રહ (એસ.એલ.વી.-3) મિસાઈલ બનાવવાનું શ્રેય ડા. અબ્દુલ કલામના ફાળે જ જાય છે. જુલાઈ ૧૯૮૦માં તેમણે રોહિણી ઉપગ્રહને પૃથ્વીની કક્ષાની નજીક તરતો મૂક્યો. આ સાથે જ ભારત અંતરિક્ષ ક્લબનો સભ્ય બન્યું. ઇસરોના લાન્ચ વ્હિક્લ પ્રોગ્રામ આજે જે સફળતા પ્રાપ્ત કરી રહ્યો છે તે ડા. કલામને આભારી જ છે. પછી તો ડો. કલામે સ્વદેશી ગાઇડેડ મિસાઇલ્સનું મોડલ તૈયાર કર્યું. ડો. કલામે અગ્નિ તથા પૃથ્વી જેવી સ્વદેશી ટેક્નોલોજીથી બનેલી મિસાઇલ્સ બનાવી. ડો. કલામ ૧૯૯૨થી ૧૯૯૯ સુધી સંરક્ષણમંત્રીના સલાહકાર તરીકે પણ રહ્યાં. તેમણે ભારતને ન્યુક્લિયર પાવર બનાવ્યું. ભારત શક્તિશાળી પરમાણુ ઊર્જા ધરાવતો શક્તિશાળી દેશ છે તે સાબિત કરવા ‘પોખરણ વિસ્ફોટ’ કર્યો જે વિસ્ફોટ ડો. કલામના નેતૃત્વમાં થયો. આ વિસ્ફોટના સફળ થવાના કારણે ભારતની ન્યુક્લિયર હથિયાર બનાવવાની શક્તિ વધી.
રાજનૈતિક જીવન
આમ તો ડો. અબ્દુલ કલામ રાજનીતિના માણસ ન કહેવાય પણ રાષ્ટ્રપતિ બન્યા પછી તેમણે જે કામ કર્યુ તેના પરથી નિશ્ર્ચિત રીતે કહી શકાય કે તેમને રાજનીતિના એકે-એક દાવપેંચ સારી રીતે આવડે છે. તેઓ રાષ્ટ્રપતિ ઉપરાંત ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પણ રહી ચૂક્યા છે.
વર્ષ ૨૦૦૨થી ૨૦૦૭ સુધી ડા. કલામ ભારતના રાષ્ટ્રપતિ પદ પર હતા. રાષ્ટ્રપતિ પદની ગરિમા જાળવવા તેમણે અનેક પ્રયાસો કર્યા. રાષ્ટ્રપતિનું કામ શું હોય તે ભારતના નેતાઓને તેમણે શીખવ્યું. આ કાર્યકાળ દરમિયાન અનેક એવા નિર્ણયો પણ ડો. કલામે લીધા જે તેમને ખરાઅર્થમાં ‘લોકોના રાષ્ટ્રપતિ’ બનાવે છે.
તાજેતરમાં જ તેમની ‘ટર્નિગ પોઇન્ટસ’ નામની પુસ્તક પ્રકાશિત થઈ છે. તેમાં તેમણે અનેક ખુલાસાઓ કર્યા છે. જેનાથી વિવાદ પણ થયો છે. પુસ્તકમાં તેમણે લખ્યું છે કે ‘‘સોનિયા ચાહત તો તે વડાપ્રધાન બની શકત. મારી પાસે કોઈ વિકલ્પ ન હતો. મનમોહન સિંહનું નામ મારા માટે નવાઈ પમાડે તેવું હતું.’’
એક બીજો ખુલાસો કરતા ડો. કલામ આ બુકમાં લખે છે કે ૨૦૦૫માં મારા એક નિર્ણય બદલ મેં વડાપ્રધાન મનમોહનજીને મારું ‘રાજીનામુ’ આપી દીધું હતું. ૨૦૦૫માં સુપ્રીમ કોર્ટે એક ફેસલામાં જણાવ્યું હતું કે બિહાર વિધાનસભાને ભંગ કરવાનો નિર્ણય ગેરબંધારણીય છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી ડો. કલામને દુ:ખ થયું હતું અને રાષ્ટ્રપતિ પદનો વિવેક જાળવવા ડા. કલામે મનમોહન સિંહના હાથમાં પોતાનું રાજીનામું આપી દીધું હતું. પણ તે વખતે મનમોહને તે સ્વીકાર્યું નહોતું.
રાષ્ટ્રપતિ પદનો નાનો-સરખો પણ લોભ તેમના મનમાં ન હતો. નૈતિકતા તેમના માટે મહાન હતી. તેમણે ‘વિંગ્સ આફ ફાયર’, ‘ઇન્ડિયા ૨૦૨૦’ - અ વિઝન ફાર ધી ન્યૂ મિલેનિયમ’, ‘માઈ જર્ની’, ‘ઇગ્નાટેડ માઇન્ડ્સ અનલિશિંગ ધી પાવર વિધિન ઇન્ડિયા’, ’ટર્નિંગ પોઇન્ટસ’ જેવાં પ્રેરણાત્મક પુસ્તકો લખ્યાં છે, જેનો ભારતની અનેક ભાષામાં અનુવાદ પણ થયો છે.
આજે રાષ્ટ્રપતિ ન હોવા છતાં ડો. કલામ ભારતના અને લોકોના હૃદયના ખરા અર્થમાં પ્રેસિડેન્ટ છે. એક સાચ્ચા વૈજ્ઞાનિક છે. જેમને ૩૦જેટલી વિશ્ર્વવિદ્યાલયો તથા સંસ્થાઓએ ડાયરેક્ટરની પદવી આપી છે. તેમને ૧૯૮૧માં પદ્મભૂષણ, ૧૯૯૦માં પદ્મવિભૂષણ અને ૧૯૯૭માં ભારત રત્ન તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. તેમનું આખું જીવન પ્રેરણા સત્ય ઘટનાઓથી ભરેલું છે.
* * *
ડો. અબ્દુલ કલામની રોચક વાતો
પહેલાં માર ખાધો પછી પ્રશંસા મેળવી
ડો. અબ્દુલ કલામ જ્યારે શ્ર્વાટ્ર્ઝ હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે તેમના ગણિતના શિક્ષક રામકૃષ્ણ ઐયર હતા. એક દિવસ ઐયર સાહેબ વર્ગ લઈ રહ્યા હતા ત્યારે અચાનક જ કલામ તે વર્ગમાંથી પસાર થઈ ગયા. આથી ગુસ્સે ભરાયેલા ઐયર સાહેબે કલામને બે ફૂટ ફટકારી. બીજા ક્લાસમાં ઘૂસવાની તે સજા હતી. ત્યાર પછી પરીક્ષા આવી અને પરીક્ષામાં ગણિતમાં કલામના પૂરા માર્ક આવ્યા જે બીજા કોઈ વિદ્યાર્થી નહોતા મેળવ્યા. પછી તો સવારની પ્રાર્થનામાં રામકૃષ્ણ ઐયર સાહેબે બધા વિદ્યાર્થીઓને કલામ સાથે બનેલી આ ઘટના જણાવી અને કહ્યું કે ‘હું જેને મારું છું તે ભવિષ્યમાં મહાન વ્યક્તિ બને છે.’ આજે ઐયર સાહેબ સાચા પડ્યા છે...
* * *
ઇચ્છા - આસ્થા - ઉમ્મીદ
ડો. અબ્દુલ કલામ કહે છે કે સફળતા મેળવવા ઇચ્છા - આસ્થા - ઉમ્મીદ આ પ્રમુખ ત્રણ શક્તિઓ આપણામાં હોવી ખૂબ જરૂરી છે. તેઓ કહે છે કે, ‘હું જ્યારે ૧૫વર્ષનો હતો ત્યારે મારું એડમિશન રામેશ્ર્વરની શ્ર્વાટ્ર્ઝ હાઈસ્કૂલમાં થયું. ત્યાં એક શિક્ષક હતા અયાદેરે સોલોમન. તેઓ સ્નેહી અને હોશિયાર હતા. તે એક એવા શિક્ષક હતા જે હંમેશાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારતા. મારા એ શિક્ષક કહેતા કે જીવનમાં સફળતા મેળવવા, ધાર્યું લક્ષ્ય મેળવવા આપણે ત્રણ શક્તિને પારખવી જોઈએ. એ શક્તિ છે ઇચ્છા, આસ્થા અને ઉમ્મીદ (આશા). મને તેમણે જ શીખવ્યું કે પહેલાં જે મેળવવું હોય તેની ઇચ્છા દ્ઢ બનાવો પછી આસ્થા અને વિશ્ર્વાસથી તેને મેળવવા મંડી પડો. અંત સુધી ઉમ્મીદ ન છોડો.
* * *
પાંચ વાગે ઊઠવાનું, ભણવાનું ને છાપાં વેચવાનું...
ડો. અબ્દુલ કલામનું ‘મારું ઘડતર’ નામનું વાંચવા જેવું પુસ્તક છે. તેમાં તેઓ લખે છે કે હું સવારે ચાર વાગ્યે મારા શિક્ષક શ્રી સ્વામીયર પાસે ગણિત શીખવા જવા ઊઠી જતો. તે એક વિશિષ્ટ ગણિત શિક્ષક હતા અને વર્ષ દરમિયાન માત્ર પાંચ વિદ્યાર્થીઓને મફ્ત ટ્યૂશન આપતા. આ બધા વિદ્યાર્થીઓ માટે તેમની એક આકરી શરત રહેતી, તે એ હતી કે તે બધા તેમની પાસે સવારે પાંચ વાગે સ્નાન કરી શીખવા આવે. મારી મા મારા પહેલાં ઊઠી જતાં અને મને નહાવા તથા ટ્યૂશનમાં જવાની તૈયારી કરવામાં મદદ કરતાં. હું જ્યારે ટ્યૂશનમાંથી પાછો આવતો, ત્યારે મારા પિતા મને નમાજમાં લઈ જવા તથા મદરેસામાં ‘કુરાને-શરીફ’ શીખવા લઈ જવા રાહ જોતા હોય. તે પૂરું કર્યા પછી હું ત્રણ માઈલ દૂર આવેલ રામેશ્ર્વરમ્ રોડ રેલવે સ્ટેશને છાપાનાં બંડલ લેવા પગે જતો જે ધનુષકોડી મેલ પસાર થાય તેમાંથી ફેંકાયાં હોય. આ છાપાં લઈ સમગ્ર રામેશ્ર્વરમ્માં ફરી વળતો. આખા શહેરમાં છાપાં વહેંચનાર હું પ્રથમ હોઉં. ત્યાર પછી આઠ વાગ્યે હું ઘેર પાછો આવતો. મારાં મા હું અભ્યાસ અને કામ સાથે સાથે કરતો હોવાથી મારાં બીજાં ભાઈ-બહેનો કરતાં મને ભલે સાદો પણ વધારે નાસ્તો આપતાં. સાંજે શાળા પૂર્ણ થયા પછી હું ફરી ગ્રાહકો પાસેથી પૈસા ઉઘરાવવા નીકળતો.
* * *
એક પ્રેરણા પ્રસંગ
ડો. અબ્દુલ કલામના ડ્રાઇવર માત્ર દસ પાસ હતા. ડો. કલામે તેમને આગળ ભણવાની પ્રેરણા આપી. ડ્રાઇવરે એક્સ્ટર્નલ સ્ટુડન્ટ તરીકે બારમાં ધોરણની પરીક્ષા આપી અને પાસ થઈ ગયા. એ પછી પણ કલામ ડ્રાઇવરને વધુને વધુ પ્રેરણા આપતા ગયા અને વધારે પરીક્ષાઓ અપાવતા ગયા. એમ કરતાં કરતાં ડ્રાઇવરે ગ્રેજ્યુએશન અને માસ્ટર ડિગ્રીની પરીક્ષાઓ પણ સફળતા પૂર્વક પાસ કરી દીધી. આજે તેઓ ચેન્નાઈની એક કાલેજમાં પ્રાધ્યાપક તરીકેના ઉચ્ચ હોદ્દા પર કામ કરી રહ્યાં છે. ડ્રાઇવરમાંથી પ્રાધ્યાપક બનાવવાની પ્રેરણા આપ્નાર ડો. અબ્દુલ કલામને આજે પણ તેઓ યાદ કરે છે.
No comments:
Post a Comment