Saturday 16 August 2014

The Great Indian #BOOKWAR



બુક્સ આર બેસ્ટ ફ્રેન્ડ્સ, પુસ્તકો વિશે આવું કહેવામાં આવે છે. અત્યારે આપણા દેશમાં જે બુક વોર શરૂ થઈ છે એ જોતાં આ વાક્યમાં થોડોક ફેરફાર કરવા જેવો છે. બુક્સ આર બેસ્ટ ફ્રેન્ડ્સ એન્ડ બેડ એનિમિસ! ઘણાં પુસ્તકો દુશ્મન સાબિત થાય એવાં પણ હોય છે. શબ્દોમાં જબરજસ્ત તાકાત હોય છે. શબ્દો મલમનું પણ કામ કરે છે અને શબ્દો માણસને ઊભેઊભો ચીરી પણ નાખે છે. ઘણા લોકોને શબ્દોનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવામાં ફાવટ હોય છે. બોલાયેલા શબ્દો કરતાં લખાયેલા અને છપાયેલા શબ્દોની અસર વધુ તીવ્ર હોય છે. બોલાતા શબ્દો એક વખત બોલાઈ જાય પછી ભુલાઈ જતાં હોય છે, પણ છપાયેલા શબ્દો ઇતિહાસનો હિસ્સો બની જાય છે. પુસ્તકો વિશે આમ તો એવું કહેવાય છે કે, હવે કોઈ પાસે પુસ્તક વાંચવાનો સમય જ ક્યાં છે? પહેલાં તો બુક્સને લાઇબ્રેરીમાં ગોઠવી પોતાને વાંચવામાં રસ હોય એવી છાપ ઊભી કરવાનો પણ પ્રયત્ન થતો હતો. હવે તો ઘરોમાંથી લાઇબ્રેરી પણ ગુમ થતી જાય છે. ટેલિવિઝન અને મોબાઇલ ફોન લોકોનો સમય ખાઈ જાય છે. આમ છતાં પુસ્તકો વેચાય છે અને વંચાય છે. એમાં પણ જો કોઇ કોન્ટ્રોવર્સી હોય અથવા તો માર્કેટિંગ ગિમિકસ કરવામાં આવે તો બુક્સ હોટકેકની જેમ વેચાય છે! દેશના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન નટવરસિંહનું પુસ્તક 'વન લાઇફ ઇઝ નોટ

ઇનફ'ની ૫૦ હજાર નકલ બુક થઈ ગઈ છે! હવે તેઓ બીજી બુક 'માય રેગ્યુલર ડાયરી' લખવાના છે. આ બુક માટે તેમણે હજુ કદાચ મનમોહનસિંહ, સોનિયા અને યુપીએ સરકારનાં થોડાંક સિક્રેટ્સ સંઘરી રાખ્યાં હશે. ૮૩ વર્ષના થયેલા નટવરસિંહ આમ તો ભુલાઈ ગયા હતા, પણ એક પુસ્તકે તેને ફરીથી લાઇમલાઇટમાં લાવી દીધા છે.

કોંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધી વડાપ્રધાન ન બન્યાં એમાં તેમનો કોઈ ત્યાગ ન હતો, પણ મજબૂરી હતી, આવું ટોપ સિક્રેટ નટવરસિંહે દેશ અને દુનિયા સમક્ષ છતું કરી દીધું. ૨૦૦૪ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષોનો વિજય થયો. કોંગ્રેસને બેઠી કરનાર સોનિયા વડાપ્રધાન બની શકે તેમ હતાં. એક તરફ વિદેશી મૂળની વ્યક્તિ દેશના વડાપ્રધાન બને તેની સામે ઊહાપોહ હતો તો બીજી તરફ લોકો સોનિયા વડાપ્રધાન બને તેવો આગ્રહ થઈ રહ્યો હતો. આ વખતે એક માણસે તો પોતાના લખણે રિવોલ્વર રાખીને ધમાલ મચાવી દીધી હતી. આવા પબ્લિસિટી સ્ટંટ અને વહાલા થનારાઓની આખી ફોજ મેદાનમાં આવી ગઈ હતી. સોનિયાએ વડાપ્રધાન બનવાનું માંડી વાળી ડો. મનમોહનસિંહને વડાપ્રધાન બનાવ્યા હતા. નટવરસિંહે લખ્યું કે, સાચી વાત એ હતી કે રાહુલે માતાને વડાપ્રધાન બનવાની ના પાડી હતી. તેને ડર હતો કે દાદી ઇન્દિરા અને પિતા રાજીવની જેમ માતા સોનિયાની પણ હત્યા થઈ જશે. આ વાત બુકને બેસ્ટસેલર બનાવવા માટે પૂરતી હતી.

સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીએ આ વાત વિશે કોઈ જ ખુલાસો કે ટીકા-ટિપ્પણી કર્યાં નથી. સોનિયાએ એટલું કહ્યું કે, હું પણ પુસ્તક લખીશ. આ વાતે અત્યારથી સસ્પેન્સ ક્રિએટ કર્યું છે કે સોનિયાની બુકમાં શું હશે? રાહુલે તેને વડાપ્રધાન બનતાં રોક્યા હતા એનો સ્વીકાર હશે કે પછી નટવરસિંહની વાત ખોટી છે એમ દલીલ આપશે? એ સિવાય બીજું શું હશે? આ એ જ સોનિયા ગાંધી છે જે એવું ઇચ્છતાં ન હતાં કે તેમના પતિ રાજીવ ગાંધી રાજકારણમાં એક્ટિવ થાય. સમય રાજીવને રાજકારણમાં ખેંચી લાવ્યો અને સોનિયાએ પણ રાજકારણમાં આવવું પડયું. નટવરસિંહ એક સમયે ગાંધી પરિવારના સભ્ય જેવા હતા. ઇન્દિરા ગાંધી તથા રાજીવ ગાંધીની સરકારમાં પ્રધાન હતા. મનમોહનસિંહની સરકારમાંથી તેને પડતા મૂકવામાં આવ્યા હતા. ઓઇલ ફોર ફૂડ સ્કેમમાં તેનું નામ આવ્યું હતું. યુનાઇટેડ નેશન્સે રચેલી વોલ્કર સમિતિએ આપેલા અહેવાલ બાદ તેને ઘરે બેસવું પડયું હતું. કોંગ્રેસમાં એ પછી તેનો કોઈ ભાવ પૂછતું ન હતું. નટવરસિંહ ત્યારથી સમસમીને બેસી રહ્યા હતા. તેનો યુગ જગતસિંહ કોંગ્રેસ છોડી ભાજપમાં આવી ગયો. અત્યારે તે રાજસ્થાનમાં ધારાસભ્ય છે. આ પુસ્તક પ્રસિદ્ધ થાય એ પહેલાં સોનિયા અને પ્રિયંકા નટવરસિંહને મળવા ગયાં હતાં અને અમુક અંગત વાતો હટાવવા વિંનતી કરી હતી, પણ નટવરસિંહ ન માન્યા. નટવરસિંહે જે કરવું હતું એ કરી નાખ્યું.

દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ એક સમયે ગાંધી પરિવારની નજીક હતા. તેમની પાસે તો કદાચ નટવરસિંહ કરતાં ઘણાં વધુ સિક્રેટ્સ હશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની દીકરી શર્મિષ્ઠા મુખરજીએ કહ્યું કે મારા પિતા ક્યારેય નટવરસિંહ જેવું ન કરે. અમુક અંગત વાતો એવી હોય છે જે અંગત જ રહેવી જોઈએ અને તમારી સાથે જ દફન થઈ જવી જોઈએ. અલબત્ત, કઈ વાત છુપાવવી અને કઈ વાત જાહેર કરવી એ વ્યક્તિગત બાબત છે. એ વ્યક્તિગત મોરલ અને એથિક્સ પર આધાર રાખે છે.

મહાત્મા ગાંધીજીની આત્મકથા 'સત્યના પ્રયોગો' આખા વિશ્વમાં જાણીતી છે. ગાંધીજીએ આત્મકથાના સૌથી છેલ્લા પાને જે વાત લખી છે એ સમજવા જેવી છે. જે વ્યક્તિઓ એ સમયે જીવિત હતા એ વ્યક્તિ વિશે બાપુ વિનયપૂર્વક કંઈ લખવા નહોતા માંગતા. ગાંધીજીએ છેલ્લે લખ્યું છે કે, હવે આ પ્રકરણો બંધ કરવાનો સમય આવી ગયો છે. ૧૯૨૧ની સાલથી હું મહાસભાના આગેવાનોની સાથે એટલો બધો ઓતપ્રોત થઈને રહ્યો છું કે એક પણ કિસ્સાનું વર્ણન નેતાઓના સંબંધને તેમાં લાવ્યા વિના હું યથાર્થ ન જ કરી શકું. આ સંબંધો હજુ તાજા છે. શ્રદ્ધાનંદજી, લાલાજી અને હકીમ સાહેબ આપણી સાથે નથી, છતાં સદ્ભાગ્યે બીજા ઘણા નેતાઓ હજુ મોજૂદ છે. પછી એ મતલબનું લખાણ છે કે હવે વાત કરવામાં નેતાઓના સંબંધોને વચ્ચે લાવવા અનિવાર્ય છે. એ હું વિનયને ખાતર પણ હાલ તો ન જ લાવી શકું. એટલે આ પ્રકરણોને હાલ તો બંધ જ કરવાં એ મારું કર્તવ્ય છે. મારી કલમ જ આગળ ચાલવાની ના કહે છે એમ કહું તો ચાલે. ગાંધીજીએ પછી આત્મકથા પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું, પણ એ મહાત્મા ગાંધી હતા. આજના રાજકારણીઓ તો કંઈ બાકી રાખે એમ નથી. ઘણાં પુસ્તકો તો વેર વાળવા અને દેખાડી દેવા માટે જ લખાતાં હોય છે. સવાલ એક જ છે કે, નટવરસિંહે આટલું મોડું અને હવે યુપીએની સરકાર નથી ત્યારે જ કેમ આ પુસ્તક પ્રસિદ્ધ કર્યું?

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના મીડિયા એડવાઇઝર રહેલા સંજય બારૂએ પોતાના પુસ્તક 'ધ એકિસડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર'માં એવું લખ્યું કે મનમોહનસિંહ તો માત્ર નામના જ વડાપ્રધાન હતા, મહત્ત્વના નિર્ણય દસ જનપથમાં એટલે કે સોનિયા ગાંધી દ્વારા જ લેવાતા હતા. સંજય બારૂ મે, ૨૦૦૪થી ઓગસ્ટ, ૨૦૦૮ સુધી વડાપ્રધાનના મીડિયા એડવાઇઝર રહ્યા હતા. કામ છોડયું એનાં છ વર્ષ પછી અને લોકસભાની ચૂંટણી ટાણે જ એણે કેમ પુસ્તક પ્રસિદ્ધ કર્યું? આ સવાલ વિચારવા જેવો છે. કોલસા સચિવ રહેલા પી.સી. પરખે તેના પુસ્તક 'ક્રુસેડર ઔર કોન્સિપરેટર? કોલગેટ એન્ડ અધર ટ્રુથ'માં કોલસા કૌભાંડની વાત છેડી યુપીએ સરકારને સાણસામાં લીધી હતી.

ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની દીકરી'સ્ટ્રીકલી પર્સનલઃ મનમોહન એન્ડ ગુરૂશરણ નામનું પુસ્તક લખી તેના પિતા જરાયે નબળા ન હતા અને કેવા સંજોગોમાં દેશ માટે શું કર્યું હતું એ વાત લખીને પિતાને મજબૂત સાબિત કર્યા હતા. સવાલ પૂછવાવાળા તો ત્યાં સુધી પૂછે છે કે, મનમોહનસિંહ કેમ તેની સામેના પુસ્તકો અને સોનિયા-રાહુલ વિશે કંઈ બોલતા નથી? એ વાતને સાચી પણ નથી ઠેરવતા અને ખોટી હોવાનું પણ નથી કહેતા ! કદાચ તેમણે એ વાત જ કંઠે કરી લીધી લાગે છે કે, હજારો જવાબો સે અચ્છી હૈ મેરી ખામોશી, ના જાને કીતને સવાલો કી આબરૂ રખી! બે ઘડી વિચારો કે મનમોહનસિંહ અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી જો પુસ્તક લખે તો? સત્તાની નજીક રહેલા લોકો પાસે અઢળક સિક્રેટસ હોય છે.

ભાજપના અગ્રણી એલ.કે.અડવાણીની આત્મકથા 'માય કન્ટ્રી, માય લાઈફ'નું વિમોચન ૨૦૦૮માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.અબ્દુલ કલામે કર્યું હતું. ૧૦૪૦ પાનાના આ પુસ્તકમાં સાચી વાતો છે પણ કોઈ વિવાદસ્પદ બાબત નથી. ભાજપના જ અગ્રણી રહેલા અને પછી બળવો પોકરનારા જસવંતસિંહના ૨૦૦૯માં પ્રસિદ્ધ થયેલા પાકિસ્તાનમાં રાષ્ટ્રપિતા મહમદ અલી ઝીણા વિશેના 'ઝીન્ટા, ઇન્ડિયા, ર્પાિટશન, ઈનડિપેન્ડન્સ' નામના પુસ્તકે થોડી હલચલ મચાવી હતી. 'ડાયેના : હર ટ્રુ સ્ટોરી'ના લેખક એન્ડ્રયુ મોટર્ને જ લખેલી મોનિકા લેવેન્સકી વિશેની બુક 'મોનિકાસ સ્ટોરી' ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટ બિલ કલિન્ટનના મોનિકા સાથેના લફરાના કારણે ખૂબ ચર્ચાઈ હતી. હિલેરી કલિન્ટને પણ 'હાર્ડ ચોઈસ' અને 'એન ઈનવીરેશન ટુ ધ વ્હાઈટ હાઉસ' પુસ્તકમાં ઘણી અંગત નાતો શેર કરી છે. અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ પહેલીવખત પ્રેસિડેન્ટની ચૂંટણી લડતી વખતે પ્રસિદ્ધ કરેલા 'ડ્રિમ્સ ફેમ માય ફાધર' નામના પુસ્તકે તેને પ્રેસિડેન્ટ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

માણસો પસાર થઈ જાય છે પણ પુસ્તકો જીવતા રહે છે. સદીઓ સુધી અને યુગો સુધી. પુસ્તકએ મહત્ત્વનો દસ્તાવેજ છે. પુસ્તકોના કારણે યુદ્ધો થયા છે, વિવાદો થયા છે અને વિખવાદો થયા છે. અત્યારે ચાલી રહેલા 'બુક વોટ'માં હવે એક નવું પુસ્તક આવી રહ્યું છે. રાજસ્થાનના રાજયપાલ અને એક સમયે કોંગ્રેસના નેતાપદે અને દેશના પ્રધાન તરીકે કામ કરી ચૂકેલા માર્ગારેટ આલ્વા તેની આત્મકથા પ્રસિદ્ધ કરવાના છે. માર્ગારેટ આલ્વાએ જ કહ્યું કે, તેની ઓટોબાયોગ્રાફી ઓલમોસ્ટ રેડી છે. ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી લાદી ત્યારે માર્ગારેટ આલ્વા કોંગ્રેસમાં એકિટવ હતા, એ સિવાય પણ ઘણી ઘટનાઓના તેઓ સાક્ષી છે. આ પુસ્તકમાં શું હશે? આ પુસ્તક પણ કોઈ નવો વિવાદ સર્જશે ? એ તો પુસ્તક આવે ત્યારે જ ખબર પડે. બધાને ઈન્તજાર તો સોનિયા ગાંધીના પુસ્તકનો છે. ગાંધીજીએ જે લખ્યું હતું એ 'સત્યના પ્રયોગો' હતો અત્યારના નેતાઓ જે કરી રહ્યા છે એ 'શબ્દના પ્રયોગો' સાચા છે કે ખોટા એના કરતાં પણ વધુ તો શા માટેના છે એ ચર્ચાનો વિષય છે! યે જો પબ્લીક હૈ, સબ જાનતી હૈ!



No comments:

Post a Comment