Monday 21 July 2014

ગુજરાતનું ગૌરવ ગીર

સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ફેલાયેલો છે અદભુત નજારો
ગુજરાતનું ગૌરવ એટલે જુનાગઢ અને અમરેલી જીલ્લાઓમાં ફેલાયેલું જંગલ ગીર. ડાલા મથ્થા સિંહનું એ વતન. સમગ્ર વિશ્વમાં એશિયાટિક લાયન ફક્ત ગીરમાં જ જોવા મળે છે.
ગીરના જંગલોમાં ફરવાની મજા કંઈક આદકેરી છે. ગીર એટલે હિરણ, શિંગોડા, દાતરડી, સરસ્વતી, મચ્છન્દ્રી, ધોડાવડી અને રાવલ એમ સાત નદીઓના અમૃત જળથી વિકસેલ જંગલ વિસ્તાર. અહીં મુખ્યત્વે સાગના વૃક્ષો વધુ છે. એ સિવાય ગુંદા, કરમદી, આંબળા, આંબલી, કરંજ, ચણોઠી તેમજ અન્ય જડીબુટ્ટીઓ ધરાવતાં વૃભો, ઝાંખરા વેલા અને ઘાસ જોવા મળે છે.
માંસાહારી પ્રાણીઓમાં સિંહ ઉપરાંત દીપડાની વસ્તી પણ નોંધપાત્ર છે. ઉપરાંત ઝરખ, શિયાળ, જંગલીબીલાડી, નોળિયા, વણિયર, જંગલી ભૂંડ અને રેટલ સાપ પણ છે. જંગલમાં ઘાસ અને ઝાંખરાઓનો યોગ્ય જથ્થો ઉપલબ્ધ હોવાથી ગીરએ તૃણાહારી પશુઓ ચિત્તલ, સાબર, સાત શિંગા-સાબર, નીલગાય, ચિંકારા, કાળિયાર, વાંદરાઓનું આશ્રય સ્થાન બન્યું છે. વળી નાના પ્રાણીઓમાં શેળો, શાહુડી, સસલાં, ઘોર ખોદીયા, નોળિયો વગેરે વ્યાપક પ્રમાણમાં છે. તો ક્યારેક કીડીખાંઉ પણ જોવા મળી જાય ખરું.
પક્ષી જગતની વિવિધતા પણ છે. અહીં છ પ્રકારના ગીધ, ચોટલીયો સાપ માર, બાજ, સાંસાગર, મોરબાજ, રાજગીધ, શિંગડીયો ઘૂવડ, ચીબરી, બટેર, લક્કડખોડ, વનઅબાબીલ, શ્યામશીર પિળક, વન ભક્કીયું, ગીરના કારગા, નવરંગ, ગ્રે ગોર્નબીલ અને દૂધરાજ જેવા પક્ષીઓ બર્ડવોચર્સને વિશેષ આકર્ષે છે. અહીં ચામાચિડિયા પણ ઘણાં છે. મોર અને ઢેલનું પૂછવાનું હોય?
સમગ્ર દેશના સંરક્ષીત વિસ્તારોનો સરખામણીએ ગીરમાં મગરની સંખ્યો સૌથી વધુ છે. અહીં કોબ્રા જેવા ઝેરી સાપ ઉપરાંત 37 જેટલા વિવિધ સરીશ્રુયો છે જેમાં ચંદનઘો, પાટલા ઘો, નદીની આસપાસના વિસ્તારોમાં અજગર, તારા કાચબા વગેરે મુખ્ય છે.
મધ્યગીરમાં કુળદેવી કનકાઈ માતાજીનું મંદિર ઉપરાંત બાણેજ જેવા ધાર્મિક સ્થળો છે. જેમાં રહેવા અને જમવાની સગવડો છે. જો કે આ સ્થળોએ રાત્રી રોકાણ કરવા દેવામાં આવતું નથી. સંરક્ષિત વિસ્તારની બહારના ગીરના જંગલમાં સત્તાધાર અને કનકાઈ કુંજ વગેરે સ્થળોએ રાત્રી રોકાણ કરી શકાય છે.
ગીર ઈન્ટરપ્રીટેશનઝોન દેવળીયામાં સિંહ દર્શન માટે ગુજરાત રાજ્ય દ્વારા આયોજન થાય છે જેનો ઘણાં વિદેશી પ્રવાણીઓ પણ લાભ ઉઠાવે છે. રાષ્ટ્રિય ઉદ્યાનના રક્ષીન વિભાગની બહાર આવેલ ઈકોટુરિઝમ સ્પોટ જામવાળા (જમજીર ધોધ) અને ખોડિયાર સાઈટ વગેરે જગ્યાઓ પર વાઈલ્‍ડલાઈફ, યુથ ક્લબ ફોરેસ્ટ યુથ ક્બલ દ્વારા પ્રાકૃતિક શિક્ષણ શિબીરો પણ યોજાય છે. તેમાં જોડાઈને ગીરના વન્ય જીવનને સમજવાનો સોનેરી અવસર પ્રાપ્ત થઈ શકે છે. કુદરતી વાતાવરણમાં વન્ય જીવનને નીહાળવાનો આવો સુંદર લ્હાવો લેવો જ જોઈએ. આ પ્રકારની શિબીરોમાં જોડાવાથી વન્યજીવન એ માનવ માટે તથા પર્યાવરણ સંતુલન માટે કેટલું જરૂરી છે તેની સમજ કેળવાય છે. અને આપણે એક નવા દ્રષ્ટિ બિંદુથી વન અને વન્યચરાને સમજીએ છીએ.
કેવી રીતે જશો?
અમદાવાદથી સાસણ: 408 કિ.મીના અંતરે રોડ માર્ગે તેમજ ટ્રેઈન મારફતે જઈ શકાય છે. જુનાગઢથી સાસણ 60 ક.મીના અંતરે છે. નજીકનું એરપોર્ટ રાજકોટ, દીવ અને કેશોદ છે. સાસણમાં હોટલ, રીસોર્ટ વગેરેની સગવડો મળી રહે છે.

No comments:

Post a Comment