Friday 11 July 2014

સાબરમતીને તીરે ખીલેલી સીટી અદ્ભૂત અમદાવાદ અને અજબ તેની પોળો


- ગાંધીજીની કર્મભૂમિ અમદાવાદના લોકોની કોઠાસૂઝ ગજબની
- અમદાવાદની પોળોનાં નામ પણ ગજબના!

- કીડી-મંકોડીની પોળ, બકરી પોળ, દેડકા પોળ, મરઘાવાડ, ચામાચીડિયાની પોળ, ખિસકોલા પોળ, વાઘણ પોળ, ખીજડાની પોળ, હીજડાની પોળ, વાઘેશ્વરની પોળ, લાખા પટેલની પોળ, ઝવેરીવાડ, ગોલાની ખડકી, મોચીની ખડકી, લવારની પોળ અને હજામની પોળ!

અમદાવાદ હવે તો 'હેરિટેજ સીટી' તરીકે વિકસ્યું છે. તે 'Poet'નાં લક્ષણો ધરાવે છે. પણ અહીં 'પોયટ' એટલે ઉમાશંકર જોશી અને નીરંજન ભગતની જેમ કવિ નહીં. અમદાવાદનાં નગરીય વ્યક્તિત્વને વ્યક્ત કરતી Poet સંજ્ઞાા નીચે મુજબ છે. P = Population, O = Organization, E = Ecology, અને T = Technology. અમદાવાદમાં વસ્તી ઘણી હતી, બીઝનેસ ઓર્ગેનાઈઝેશન હતું, પર્યાવરણને અનુરૃપ વૃક્ષો અને ઉદ્યાનો હતા, અને વિવિધ સમયે બદલાતી રહેલી ટેકનોલોજી પણ હતી. આમ અમદાવાદ અનોખું નગર છે. ઈ.સ. ૧૪૧૧માં અમદાવાદની સ્થાપના થઈ ત્યારથી એ 'લોકલ' અને 'ગ્લોબલ' એમ બન્ને રીતે વિકસ્યું છે. એ ધનવાન છે અને કરકસરીયું પણ છે. અમદાવાદ એટલે અડધું ભૌતિકવાદી અને અડધું આદર્શવાદી, પણ સદાયે વિકસતું જતું નગર. મુઘલ સમયમાં આવેલા કેટલાયે વિદેશી મુસાફરોએ અમદાવાદની તારીફ કરતાં લખ્યું છે કે તે લંડન, પેરીસ અને એમ્સ્ટેર્ડમ કરતાં વધારે વૈભવશાળી છે. જર્મન મુસાફર આલ્બર્ટ મેન્ડેલ્સ્લોએ ૧૬૩૮માં લખ્યું કે દૂનિયાની એક પણ ચીજ એવી નથી કે જે અમદાવાદનાં બજારમાં ઉપલબ્ધ ના હોય. અમદાવાદ જે આત્મવિશ્વાસથી વિકસ્યું છે તે બતાવે છે કે તે પરંપરાગત છે અને પરિવર્તનશીલ પણ છે. તે 'લોકલ' પણ છે, 'નેશનલ' પણ છે, અને 'ગ્લોબલ' પણ છે. નવી સમસ્યાઓનો ઉકેલ લાવવાની અમદાવાદીઓની કોઠાસૂઝ ગજબની છે. તેથી જ ગાંધીજીએ તેમની કર્મભૂમિ તરીકે અમદાવાદને પસંદ કર્યું હતું!

૧૯૩૦ પહેલાં અમદાવાદ કોટ વિસ્તારમાં વસતુ હતું. અમદાવાદની કેટલીયે પોળો તો છેક મહંમદ બેગડા, અકબર, જહાંગીર અને શાહજહાંનાં સમયમાં શરૃ થઈ હતી. સેંકડો વર્ષો સુધી અમીર અને ગરીબ, ભણેલા અને અભણ લોકો પોળોમાં શાંતિથી રહ્યા હતા. ઈ.સ. ૧૯૦૧માં અમદાવાદમાં ૩૬૮ પોળોની નોંધણી થઈ હતી. અમદાવાદની પોળોનાં નામ પણ ગજબના! કીડી-મંકોડીની પોળ, બકરી પોળ, દેડકા પોળ, મરઘાવાડ, ચામાચીડિયાની પોળ, ખિસકોલા પોળ, વાઘણ પોળ, ખીજડાની પોળ, હીજડાની પોળ, વાઘેશ્વરની પોળ, લાખા પટેલની પોળ, ઝવેરીવાડ, ગોલાની ખડકી, મોચીની ખડકી, લવારની પોળ અને હજામની પોળ! અમદાવાદની પોળોનો લાંબો ઈતિહાસ છે. તેમાં વિવિધતા છે. શેઠીયા અને શાહૂકારોનાં નામ દ્વારા પોળોનો ઈતિહાસ જળવાયો છે તો ગોલા-ઘાંચી-હજામ અને ધોબી જેવા કારીગરોને પણ અમદાવાદીઓએ સન્માન્યા છે. કેટલીયે પોળોમાં સેંકડો વર્ષો સુધી હિંદુ, મુસલમાન અને જૈનો હળી મળીને રહ્યા છે અને પોળોનાં ચોગાનમાં ક્રિકેટ રમ્યા છે. પોળોનું કલ્ચર એકબીજાનાં સુખ અને દુઃખમાં ભાગ લેવામાં રહ્યું હતું અને આજનાં તદ્દન પલટાયેલા સંજોગોમાં પણ પોળોમાં પ્રેમ અને ભાઈચારાની લાગણી પ્રવર્તે છે.


દરેક પોળમાં પ્રવેશ કરવા માટે મોટો તોતીંગ દરવાજો ઓળંગવો પડે. રાતના સમયે તે બંધ થઈ જાય. પણ પોળનાં માણસોની અવરજવર માટે દરવાજામાંથી કોરેલો નાનો પેસેજ હોય. દરવાજાની ઉપરની ઓરડીમાં ચોકીદાર રહેતો. મુઘલ, મરાઠા કે બ્રીટીશ સમયમાં જ્યારે તોફાનો ફાટી નીકળે ત્યારે પોળનાં માણસો અંદર ભરાઈ જતા. દરવાજા બંધ થઈ જતા.

પોળોનું મોઢું સરીયામ રસ્તા પર પડે. ઘણી પોળોમાં પેટા-પોળો પણ હોય. દરેક પોળમાં કૂવો, મંદિર, ચોગાન, ચબૂતરો તો હોય જ. પોળોમાં આવેલા વાંકાચુંકા ખાંચા, ગલીઓ અને ખડકીઓમાં લોકો શાંતિથી રહેતા. પોળોનો વહીવટ પોળ પંચાયત કરતી. પોળો સ્વ-શાસનની સંસ્થા તરીકે વિકસી હતી. આજે તો સોસાયટીઓ થઈ છે અને લોકો સ્વતંત્ર રીતે બંગલા બાંધીને કે ટેનામેન્ટમાં રહે છે. અહીં રહેનારા સ્ત્રી પુરૃષો અને બાળકો તદ્દન સ્વતંત્રપણે જીવન જીવે છે અને વિકાસ કરે છે. પોળ કલ્ચરમાં કદાચ આવી મોકળાશ નથી, આમ છતાં પણ પોળોમાં વસવાટ કરતા લોકો માને છે કે એકબીજાની વચમાં રહેવાથી એમને એકલતા લાગતી નથી અને લોકસમૂહમાં રહીને તેઓ પણ સોસાઈટીનાં રહીશો જેટલો જ વિકાસ કરે છે. અમદાવાદીઓ પોળોમાં રહીને જ ગુજરાત કોલેજમાં (સ્થાપના ૧૮૭૯) ભણ્યા હતાં. તે કોટની બહાર હતી.

પોળોમાં આવેલા ઘરોની બાંધણી પણ નોંધપાત્ર છે. છેક મુઘલ સમયનાં ઘરો અને દૂકાનોનાં વેચાણોને લગતા ખતપત્રો ઉપલબ્ધ થયા છે. તેમાં મકાનનાં સ્ટ્રક્ચર ઉપરાંત, તે કોણે ખરીદ્યું, કોણે વેચ્યું અને કેટલામાં વેચ્યું તેની વિગતો ઉપરાંત પોળનાં કૂવા કે મંદીરનું વર્ણન પણ હોય છે. ત્રણ ત્રણ મજલાનાં મકાનો રૃ. ૨૫૦ થી ૩૫૦ રૃપિયામાં વેચાયા હતા. ઘરોનાં વર્ણન મુજબ સૌ પહેલાં પગથીયાં આવે, ત્યાર પછી ઓટલો શરૃ થાય અને ઘરની બહાર ઓટલાને છેડે સંડાસની વ્યવસ્થા હોય. ઓટલા ઉપર બેસીને લોકો દાતણ કરે અને મોટો અવાજ કરીને ઉલ ઉતારે. આજે તો આપણને ચીતરી ચડે તેવી આ સામૂહિક પ્રક્રિયા હતી. ઓટલો ઓળંગો એટલે નાનો પેસેજ શરૃ થાય, ત્યાર પછી આકાશ દેખાય અને હવાઉજાસ વર્તાય તેવો ચારે તરફ ફરતો ચોક આવે. આસપાસ ફરતે ઘર મંદિર, પાણીઆરૃં, ટાંકુ અને રસોડું હોય. ટાંકામાંથી બારેમાસ પાણી પ્રાપ્ત થાય. આજે પણ કેટલાક અમદાવાદીઓએ બસો-અઢીસો વર્ષ જૂનાં ટાંકા જાળવી રાખ્યા છે. ઘણી પોળોમાં આજે પણ સચવાયેલી હવેલીઓનું નકશીકામ જોવા દેશવિદેશથી લોકો આવે છે અને તે જોઈને આફરીન થઈ જાય છે. શીલ્પશાસ્ત્રનાં અભ્યાસીઓ માટે તો પોળો, મકાનો અને હવેલીઓ માહિતીની ખાણ સમાન છે. સવાલ છે આજની ગુજરાતી પ્રજાની ઉત્સુકતા અને જિજ્ઞાાસાનો. જરા સમય કાઢીને પોળોમાં ફરી વળો, પોળોનાં લોકોને મળીને વાતો કરો તો કાંઈ નવા અનુભવો થાય તેવું પોળોનું કલ્ચર જળવાયું છે અને બદલાયું પણ છે. આવાં કારણોસર એશીયા, આફ્રિકા અને યુરોપ-અમેરિકાનાં ટુરીસ્ટો ''Experiment in International Living''ની ભાવનાનો અનુભવ કરવા વારેતહેવારે અમદાવાદની પોળોમાં આવે છે અને રહે છે.

છેલ્લાં ૬૦૦ વર્ષથી અમદાવાદ નગર ચાલ્યું આવ્યું છે. જેમ જેમ તેની ઉંમર વધતી જાય છે તેમ તેમ તે યુવાન થતું જાય છે. અમદાવાદમાં આવેલી પોળો, શેરીઓ, ગલીઓ, મહોલ્લાઓ, ખડકીયો અને ખાંચાઓ આ નગરનાં બહુમુખી વ્યક્તિત્વનાં પાયારૃપ છે. દરેક પોળને તેનું વ્યક્તિત્વ છે, તેનો સાંસ્કૃતિક ઈતિહાસ છે. તેની ચડતી-પડતી અને વૈભવ તથા વારસાની વાત હવે પછીથી કરીશું. રાયપુરમાં આવેલી વાઘેશ્વરની પોળથી શરૃઆત કરીશું. -મકરંદ મહેતા

પોળોની આઈડેન્ટીટી કઈ રીતે વિકસી ?
સેંકડો વર્ષો સુધી અમીર અને ગરીબ, ભણેલા અને અભણ લોકો પોળોમાં શાંતિથી રહ્યાં હતા એટલે જ પોળોની ઓળખ સ્પર્ધાની નહિં પણ સહકાર અને પ્રેમની ભાવના ઉપર વિકસી હતી.

No comments:

Post a Comment