Monday 11 August 2014

#HappyBirthdayVikramSarabhai : The Gujaratis have done honor to the whole universe of #India



વિક્રમ અંબાલાલ સારાભાઈનો જન્મ ૧૨ ઓગસ્ટ ૧૯૧૯માં અમદાવાદના વૈભવી જૈન કુટુંબમાં થયો હતો. તેમના પિતાની માલિકીની ઘણી મિલ્સ તે વર્ષોમાં કાર્યરત હતી. અંબાલાલ અને સરલાદેવી સારાભાઈનાં આઠ સંતાનોમાંના તે એક હતા. તેમનાં માતા સરલાદેવીએ પોતાનાં આઠ સંતાનોને ભણાવવા મોન્ટેસરીના સિદ્ધાંતો પર ઘરઆંગણે જ ખાનગી શાળા શરૂ કરી.

ભારતનાં અવકાશી સંશોધનો અને ડો. વિક્રમ સારાભાઈ એ કોઈ નક્ષત્રની ભાત જેવાં, ક્યારેય અલગ ન થતા સિતારાઓ છે. જો કે તેમણે માત્ર આકાશમાં જ રોશની નહોતી પ્રસરાવી,ટેકસટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ, ન્યુકિલયર પાવર, ઇલેકટ્રોનિકસ જેવાં કેટલાંય ક્ષેત્રો આવરી લેવાયાં હતાં. તેઓ સર્જનાત્મક વૈજ્ઞાનિક હોવાની સાથે સફળ-દીર્ઘર્દષ્ટા ઉદ્યોગકાર, સંશોધક, શિક્ષણશાસ્ત્રી, કલા પ્રશંસક, સામાજિક બદલાવના આંત્રપ્રિન્યોર અને મેનેજમેન્ટ શિક્ષણનો પ્રારંભ કરાવનારા હતા.

તેઓ માત્ર તક ભાળવાનું નહીં પણ જ્યાં તક ન હોય ત્યાં ખડી કરવાનું કૌશલ્ય તેમનામાં હતું. તેઓ સેઇન્ટ જોન્સ કોલેજ, યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ ખાતે ઇંગ્લેન્ડ ભણવા ગયા. નોબેલ વિજેતા ડો. સી.વી. રામનના માર્ગદર્શન હેઠળ તેમણે કોસ્મિક રેઇઝનો અભ્યાસ શરૂ કર્યો.

કેમ્બ્રિજથી પાછા આવ્યા પછી તરત જ તેઓ અમદાવાદ ટેકસટાઇલ રિસર્ચ એસોસિયેશનની સ્થાપનામાં જોડાયા. તેમણે શરૂ કરેલી ફિઝિકલ રિસર્ચ લેબને પગલે ખગોળવિજ્ઞાન અને સ્પેસ ટેક્નોલોજીનાં સંશોધનનો પાયો નખાયો. તેઓ જ્યારે પણ કોઈ વ્યક્તિની નિમણૂંક કરતા ત્યારે અનુભવ નહીં પણ કામ પ્રત્યેની વ્યક્તિની શ્રદ્ધાને જ કેન્દ્રમાં રાખતા.

ડો. વિક્રમ સારાભાઈ, આ નામનું હોવું એટલે આકાશમાં ભારતની હાજરી. વિશ્વના ત્રીજા દેશમાં હાર્વર્ડની બરાબરી કરી શકે તેવી મેનેજમેન્ટ સંસ્થા ખડી કરવાનું શ્રેય પણ આ નામને જ જાય. આ ધ્રુવ તારાએ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, ઇસરો, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, અટિરા,આઇઆઇએમ, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર થિરુવન્તપુરમ, ફાસ્ટર બ્રિડર ટેસ્ટ રિએકટર કલ્પક્કમ, ઇસીઆઇએલ હૈદરાબાદ, યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ. બિહાર જેવી સંસ્થાઓના સર્જનમાં માર્ગદર્શન પૂરું પાડયું.

એટોમિક એનર્જી કમશિનના ચેરમેન બનતાં પારિવારિક વ્યવસાય છોડ્યો

૧૯૬૬માં જ્યારે હોમી ભાભા ન રહ્યા ત્યારે એટોમિક એનર્જી કમશિનના ચેરમેનનું પદ સંભાળવા વિક્રમ સારાભાઈને સૂચન કરાયું. તેમણે ત્યારે વડાપ્રધાનને લખ્યું કે, ‘હાલમાં મારી પાસે ત્રણ ક્ષેત્રે પૂરતી જવાબદારી છે. પહેલી ફિઝિકલ રિસર્ચ લેબમાં ડિરેકટર અને કોસ્મિક રેઇઝ ફિઝિકસના પ્રોફેસર તરીકે, ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ પ્રોગ્રામના ચેરમેન અને રોકેટ તથા સ્પેસ ટેક્નોલોજીના પ્રોજેકટની, રસાયણ અને ફામાસ્યુટિકલ સંબંધિત પારિવારિક વ્યવસાયના નિર્ણયો, યોજના, સંશોધનની જવાબદારી પણ મારી પાસે છે.’

આટલું જ નહીં મેસેચ્યુએટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી યુએસએની ન્યુક્લિયર સાયન્સ લેબમાં પણ તે એસોસિયેટ હતા. આટલી જવાબદારી હોવા છતાં પણ દેશના હિતની જવાબદારી સ્વીકારતા તેઓ ખંચાયા નહીં. પારિવારિક વ્યવસાયમાંથી અલગ થઈ તેમણે એટોમિક એનર્જી કમશિનની બાગડોર હાથમાં લીધી.

વૈજ્ઞાનિકે સમાજની વચ્ચે રહી સમસ્યા ઉકેલવી

૧) માત્ર રાષ્ટ્રીય જનરલ્સમાં વિક્રમ સારાભાઈના સ્વતંત્ર અને સહયોગીઓ સાથેના ૮૬ રિસર્ચ પેપર્સ પ્રકાશિત થયાં છે.

૨) ૧૯૪૨ સપ્ટેમ્બરમાં વિક્રમ સારાભાઈએ જ્યારે મદ્રાસમાં પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યકાર મૃણાલિની સાથે લગ્ન કર્યા. ભારત છોડો આંદોલનમાં વ્યસ્ત હોવાને કારણે વિક્રમ સારાભાઈના પરિવારમાંથી કોઈ હાજર નહોતું રહી શક્યું.

૩) વિક્રમ સારાભાઈનું સૌથી પહેલું રિસર્ચ પેપર ‘ટાઇમ ડસ્ટ્રિબ્યુશન ઓફ કોસ્મિક રેઇઝ’ હતું, જે પ્રોસિડિંગ ઓફ ઇન્ડિયન એકેડેમી ઓફ સાયન્સીઝમાં પ્રકાશિત થયું હતું.

૪) ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં ઇલેકટ્રોનિક ડેટા પ્રોસેસિંગ અને ઓપરેશન રિસર્ચ ટેક્નિકનો ઉપયોગ વિક્રમ સારાભાઈને લીધે જ શરૂ થયો.

૫) તેઓ માનતા કે વૈજ્ઞાનિકે ખુદને એક દંડિયા મહેલમાં બંધ ન રાખતાં સમાજની વચ્ચે રહીને તમામ સમસ્યાઓનો હલ શોધવો.

૬) તેઓ કહેતા કે વ્યક્તિની આંખની ચમક જોઈને જ તેઓ તેની ક્ષમતાઓ અને શક્તિઓને પારખી લેતા.

૭) ૧૯૭૪માં ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન, સિડનીએ નિર્ણય લીધો કે સી ઓફ સેરેનિટીના મૂન કાર્ટર બેસેલને સારાભાઈ કાર્ટર તરીકે ઓળખવામાં આવશે.


જાણવાં જેવું

૧) ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન -ઇસરો તેમની શ્રેષ્ઠ સિદ્ધિ હતી. તેઓ કહેતા કે ‘ચંદ્ર કે ગ્રહો કે કૃત્રિમ ઉપગ્રહોના સંશોધનમાં આર્થિક રીતે સધ્ધર દેશોની સ્પર્ધા કરવી આપણી કલ્પના નથી. પણ અમને ખાતરી છે કે અમે જો રાષ્ટ્રીય રીતે અર્થપૂર્ણ ફાળો આપીએ તો આપણે આધુનિક તકનીકના અમલીકરણમાં ‘સેકન્ડ ટુ નન’ હોઈશું.

૨) તેમના પ્રયત્નોથી ભારતીય ઉપગ્રહનો પ્રોજેક્ટ શરૂ થયો હતો, પરિણામે ૧૯૭૫માં રશિયન કોસ્મોડ્રોમ દ્વારા આર્ય ભટ્ટને અવકાશી કક્ષામાં છોડવામાં આવ્યો હતો.

૩) ૧૯૬૬માં વિક્રમ સારાભાઈએ કરેલ નાસા સાથેની વાટાઘાટોને પરિણામે સેટેલાઇટ ઇન્સ્ટ્રકશનલ ટેલિવિઝન એકસપેરિમેન્ટ (સાઇટ)નું ૧૯૭૫માં લોન્ચિંગ શક્ય બન્યું હતું. (ડો.સારાભાઈ તે સમયે હયાત ન હતા.)

૪) તેમને શાંતિસ્વરૂપ ભટનાગર એવોર્ડ (૧૯૬૨), પદ્મભૂષણ (૧૯૬૬), પદ્મ વિભૂષણ (૧૯૭૨) સન્માન એનાયત થયા હતા.

૫) ૩૦ ડિસેમ્બર ૧૯૭૧ : થિરુવન્તપુરવમ કોવલમ ખાતે ડો. વિક્રમ સારાભાઇ અવસાન પામ્યા પણ તેમણે શરૂ કરેલા કાર્યના નભોમંડળથી જન્મેલા સિતારાઓ ભારતનું નામ રોશન કરી રહ્યા છે.

No comments:

Post a Comment